નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઘણી હદ સુધી ઘટી ગયો છે એમ માંનીને લોકો વર્તી રહ્યા છે ત્યારે  ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS) ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ત્રીજી લહેરની શક્યતા યથાવત છે.


જો કે તેમણે કહ્યું કે,  દેશમાં કોવિડની પહેલી બે લહેર જેટલી તીવ્રતાવાળી ત્રીજી લહેર આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું કે, હાલ સંક્રમણના કેસોમાં વધારો નથી થઈ રહ્યો તેના પરથી સ્પષ્ટ છે કે,  કોરોનાની રસી હાલ પણ વાઈરસથી સુરક્ષા આપી રહી છે અને હાલ ત્રીજી બૂસ્ટર રસીની કોઈ જરૂરિયાત નથી. તેમણે ઉમેર્યું કે, વિશ્વના ઘણા દેશોમાં ત્રીજી લહેરનો કહેર શરૂ થઈ ગયો છે તેથી ભારતે પણ ચેતવું જોઈએ.


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો.બલરામ ભાર્ગવના પુસ્તક ‘ગોઈંગ વાઈરલઃમેકિંગ ઓફ કોવેક્સિન- ઈનસાઈડ સ્ટોરી’ના લોકાર્પણ દરમિયાન ગુલેરિયાએ કહ્યું કે હાલ જે રીતે રસી સંક્રમણના મામલા ઘટાડવામાં અસરકારક સાબિત થઈ રહી છે અને હોસ્પિટલમાં દાખલ થવાથી બચાવી રહી છે, તે વાત એ દર્શાવે છે કે કોઈ મોટી લહેરની શક્યતા પ્રત્યેક દિવસે ઘટી રહી છે.


તેમણે વધુમાં કહ્યું કે દેશમાં કોવિડની પ્રથમ બે લહેરની સરખામણીમાં ત્રીજી લહેર ઓછી તીવ્રતા ધરાવતી હશે. તેમણે ચેતવણ પણ આપી કે,  સમયની સાથે મહામારી કાયમી રોગચાળાનું  રૂપ લેશે. કોરોનાના નવા નવા કેસ આવતા રહેશે પણ કોરોનાનો  પ્રકોપ ખૂબ ઘટી જશે.


આધારના ડેટા મુજબ, દેશમાં 95 કરોડ લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે અને તેમાંથી 77 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. કોરોનાની રસીનો બીજો ડોઝ લગાવનારાં લોકો લગભગ 41 કરોડ છે. દેશમાં18 કરોડ લોકો એવા છે, જેમને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ પણ અપાયો નથી તેથી તેમને રસી આપવી સરકારની પ્રાથમિકતા છે. ભારતમાં 18 વર્ષ કરતાં વધારે વયનાં લોકોનું રસીકરણ પુરુ કરવા માટે હજી 72 કરોડ ડોઝની જરૂર છે.