Dr Randeep Guleria On Child Vaccination: દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે AIIMS ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. બાળકોના રસીકરણ અને તેમની શાળાઓ ખોલવા અંગે એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતા ગુલેરિયાએ કહ્યું કે જ્યાં કોરોના ચેપનો દર ઓછો છે ત્યાં શાળાઓ ખોલી શકાય છે. ગુલેરિયાએ જણાવ્યું હતું કે રસીકરણમાં નવ મહિનાથી વધુ સમય લાગી શકે છે, તેથી શાળા ત્યાં સુધી બંધ ન કરવી જોઈએ.
AIIMSના ડિરેક્ટર ગુલેરિયાએ શાળા ખોલવાની તરફેણ કરતા કહ્યું છે કે દરેકને ઓનલાઇન અભ્યાસ કરવાની સુવિધા નથી. આવી સ્થિતિમાં જે બાળકો અભ્યાસથી વંચિત છે તેમના માટે શાળાઓ ખોલવી જરૂરી છે.
આ દરમિયાન ગુલેરિયાએ કહ્યું કે જે શાળાઓના શિક્ષકોને રસીના બંને ડોઝ મળ્યા છે તેમની સ્થિતિ શ્રેષ્ઠ રહેશે. આ દરમિયાન તેમણે શિક્ષકોને અપીલ કરી કે જેમણે રસી લીધી નથી તેઓએ આગળ આવીને કોરોનાની રસી લેવી જોઈએ.
ગુલેરિયાએ શાળા ખોલતી વખતે બાળકોને કોરોનાથી કેવી રીતે દૂર રાખવા તે માટે શાળા પ્રશાસનને સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે શાળા પ્રશાસને ધ્યાન રાખવું જોઈએ કે બપોરના સમયે અથવા કોઈપણ સમયે મોટી સંખ્યામાં બાળકો એક જગ્યાએ ભેગા ન થાય.
ગુલેરિયાએ કહ્યું કે સરકાર રસીકરણને લઈને સમય પહેલા લક્ષ્ય હાંસલ કરશે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે હાલની પરિસ્થિતિને જોતા દેશમાં હજુ બૂસ્ટર ડોઝની જરૂર નથી.
ભારતમાં આજે કોરોના કેસ
ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 47,092 નવા કોરોના કેસ આવ્યા અને 509 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 35,181 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,911 એક્ટિવ કેસ વધ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 32,803 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 173 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે. એટલેકે 69.65 ટકા માત્ર કેરળમાં જ નોંધાયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 28 લાખ 57 હજાર 937
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 20 લાખ 28 હજાર 825
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 89 હજાર 583
- કુલ મોતઃ 4 લાખ 39 હજાર 529