Presidential Election 2022: વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિના ઉનેદવાર જાહેર કર્યા બાદ હવે સત્તા પક્ષ ભાજપ અને તેમના એનડીએના સાથી પક્ષોએ મળીને રાષ્ટ્રપતિના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. એનડીએએ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યા છે. તો આવો જાણીએ કોણ છે દ્રૌપદી મુર્મુ.
આદિવાસી સમાજ સાથે સંબંધ ધરાવતા દ્રૌપદી મુર્મુ છ વર્ષ અને એક મહિના સુધી ઝારખંડના રાજ્યપાલ રહી ચુક્યા છે. મુર્મુ ઓડિશાના રાયરંગપુરના રહેવાસી છે. ગઈકાલે મુર્મુનો જન્મદિવસ હતો. તેઓ 64 વર્ષના છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. વિપક્ષના ઉમેદવાર તરીકે સિન્હાના નામની જાહેરાત બાદ હવે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18 જુલાઈએ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 29 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.
નોંધનીય છે કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંખ્યાના આધારે મજબૂત સ્થિતિમાં છે અને જો તેને આંધ્રપ્રદેશમાં બીજેડી અથવા સત્તારૂઢ વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓનું સમર્થન મળે છે, તો તેની જીત નિશ્ચિત છે.
નોંધનિય છે કે, આજે ભાજપની સંસદીય બોર્ડની બેઠક પાર્ટી મુખ્યાલયમાં મળી હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આજની સંસદીય બોર્ડની બેઠકમાં અમે બધા એ અભિપ્રાય પર આવ્યા કે ભાજપ અને NDAએ તેમના તમામ ઘટક પક્ષો સાથે વાત કર્યા બાદ રાષ્ટ્રપતિ માટેના અમારા ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ. NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બેઠકમાં લગભગ 20 નામો પર ચર્ચા થઈ હતી. અમે વિપક્ષી દળો સાથે પણ સલાહ લેવાનો પ્રયાસ કર્યો.