Draupadi Murmu Presidential Election:  NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)તેમની સાથે હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA સિવાય મુર્મૂને અન્ય કેટલીક પાર્ટીઓના સમર્થનની પણ જરૂર છે, જેના માટે તેમણે પોતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)સાથે ફોન પર વાત કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે દ્રૌપદી મુર્મૂએ મમતા સાથે તેના સમર્થન માટે વાત કરી છે.


શું કહ્યું મમતા બેનર્જીએ ?
દ્રૌપદી મુર્મુના આ ફોનકોલનો જવાબ આપતા મમતા બેનર્જીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ મમતા સમર્થન માટે સંમત ન થયા. તેમણે  મુર્મૂને કહ્યું કે પાર્ટી નક્કી કરશે કે શું કરવું. જોકે, દ્રૌપદી  મુર્મૂને મમતાનું સમર્થન શક્ય જણાતું નથી, કારણ કે તેમની જ પાર્ટી ટીએમસીના નેતા યશવંત સિંહા પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. વિરોધ પક્ષોએ તેમને પરસ્પર સહમતિથી ઉમેદવાર બનાવ્યા છે.


સોનિયા ગાંધી,  હેમંત સોરેન, શરદ પવારને પણ કોલ કર્યો 
મમતા બેનર્જી ઉપરાંત એનડીએ ઉમેદવાર દ્રૌપદી  મુર્મૂએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઝારખંડના સીએમ હેમંત સોરેન અને એનસીપી ચીફ શરદ પવાર સાથે પણ વાત કરી છે. જેમાં તેણે આ તમામ મોટી પાર્ટીઓનું સમર્થન માંગ્યું છે.   મુર્મૂને તમામ નેતાઓ દ્વારા શુભકામનાઓ મોકલવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ઉમેદવારી નોંધાવતા પહેલા  મુર્મૂ વતી તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા હતા.


દ્રૌપદી  મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત છે
જો કે દ્રૌપદી મુર્મૂએ ઔપચારિકતા તરીકે વિરોધ પક્ષના નેતાઓને આ ફોનકોલ કર્યો છે. કારણ કે તેમને અત્યારે અન્ય કોઈ પક્ષના સમર્થનની જરૂર નથી. કારણ કે નવીન પટનાયકની બીજેડી અને જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસે  સમર્થન આપ્યા બાદ તે બહુમતનો આંકડો પાર કરતા  જણાય છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ આ આંકડાથી ઘણી દૂર જણાઈ રહી છે. એટલે કે દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત છે. ટીએમસી નેતા યશવંત સિન્હાને વિપક્ષ તરફથી નામાંકિત કરવામાં આવ્યા છે, જેઓ 27 જૂને પોતાનું નામાંકન દાખલ કરશે.