સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ગુરુવારે DRDO અને ભારતીય સેનાએ જમીન પરથી હવામાં પ્રહાર કરનાર QRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ડીઆરડીઓ અને ભારતીય સેનાએ સંયુક્ત રીતે આ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરમાં કરવામાં આવ્યું હતું. ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે સ્થિત લોન્ચ કોમ્પ્લેક્સમાંથી તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
QRSAM મિસાઇલ તમામ સંજોગોમાં સફળ
પરીક્ષણ દરમિયાન વિવિધ પરિસ્થિતિઓ બનાવવામાં આવી હતી અને તે જોવામાં આવ્યું હતું કે શું મિસાઇલ દરેક પરિસ્થિતિમાં લક્ષ્યને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં સક્ષમ છે કે નહીં. આ દરમિયાન લોન્ગ રેન્જ મીડિયમ અલ્ટીટ્યૂડ, શોર્ટ રેન્જ, હાઇ એલ્ટીટ્યૂડ મૈનુવરિંગ ટાર્ગેટ, લો રડાર સિગ્નેચર, ક્રોસિંગ ટાર્ગેટ્સ અને બે મિસાઇલોને એક પછી એક ફાયર કરીને ટાર્ગેટથી બચવા અને ખત્મ કરવાની સમીક્ષા કરવામાં આવી હતી. આ ટેસ્ટ દિવસ અને રાત્રિ એમ બંને સ્થિતિમાં હાથ ધરવામાં આવ્યો હતો.
સંરક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા
QRSAM મિસાઈલ 25 થી 30 કિમીની રેન્જમાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેને ક્વિક રિએક્શન મિસાઈલ તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. તેમાં ઓલ-વેધર સિસ્ટમ છે. આવી મિસાઈલ ટાર્ગેટને ઓળખીને ટાર્ગેટને મારવાની ક્ષમતા ધરાવે છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે મિસાઈલના સફળ પરીક્ષણ પર DRDO અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે.