DRM Mahakumbh ticketless travel: સોશિયલ મીડિયા પર એક રમૂજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલી એક મહિલાનો જવાબ સાંભળીને રેલવે અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આ ઘટના બક્સર રેલવે સ્ટેશન પર બની હોવાનું માનવામાં આવે છે.
હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભારે ભીડ જોવા મળી રહી છે, જે 26 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. કુંભ મેળાના અંતિમ દિવસો નજીક આવતા જ શ્રદ્ધાળુઓની ભીડ બસ સ્ટેન્ડથી લઈને રેલવે સ્ટેશન સુધી ઉમટી રહી છે. આ ભીડના કારણે ટિકિટ ખરીદવા માટે લાંબી લાઈનો લાગી છે, અને ઘણા મુસાફરો ટિકિટ વગર જ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે.
આવી સ્થિતિમાં, બક્સર રેલવે સ્ટેશન પર ટિકિટ વગર પકડાયેલી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલાએ ટિકિટ વગર મુસાફરી કરવાનું એવું અનોખું બહાનું આપ્યું કે ખુદ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) પણ હસી પડ્યા હતા.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે DRM બક્સર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે. નિરીક્ષણ દરમિયાન, તેમની નજર પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહેલા મહિલાઓના એક જૂથ પર પડે છે. જ્યારે DRM સાહેબ મહિલાઓ પાસે જઈને ટિકિટ માંગે છે, ત્યારે તેમાંથી એક મહિલા રમૂજમાં જવાબ આપે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ તેમને ટિકિટ વગર મુસાફરી કરવાનું કહ્યું છે. આ જવાબ સાંભળીને આસપાસ ઉભેલા લોકો હસવા લાગે છે અને DRM પોતે પણ પોતાનું હસવું રોકી શકતા નથી. જોકે, હસતા હસતા DRM સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન મોદીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. બાદમાં, DRM અધિકારીઓ હસતા મુખે ત્યાંથી આગળ વધે છે.
ઉલ્લેખનીય છે કે, કુંભ મેળાના કારણે રેલવે સ્ટેશનો પર અસાધારણ ભીડ જમા થઈ છે. ગત 15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ થવાથી 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કુંભ મેળામાં ભારે ભીડના કારણે ઘણા મુસાફરો ટિકિટ ખરીદ્યા વિના જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, અને ટ્રેનના જનરલ અને સ્લીપર કોચમાં પણ ટિકિટ વગરના મુસાફરો જોવા મળી રહ્યા છે.
આ રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને પસંદ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી કે "આ બિહાર છે ભાઈ, અહીં બધું ચાલે છે," જ્યારે અન્ય એક યુઝરે લોકોને ટિકિટ લઈને જ મુસાફરી કરવાની સલાહ આપી હતી. એક યુઝરે મહિલાના રમૂજી જવાબની પ્રશંસા કરતા લખ્યું કે "ભાઈ, તે ખૂબ જ ખતરનાક મહિલા છે."
આ પણ વાંચો...