KIIT University incident: ઓડિશાના ભુવનેશ્વર શહેરમાં આવેલી પ્રતિષ્ઠિત KIIT યુનિવર્સિટીમાં એક નેપાળી વિદ્યાર્થીનીના અણધાર્યા મોતને કારણે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થીનીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી અને ગત રવિવારે સાંજે હોસ્ટેલના રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દુઃખદ ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં તુરંત જ ગમગીની છવાઈ ગઈ હતી અને નેપાળી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં કેમ્પસમાં પોલીસ ફોર્સને તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે.


પ્રાપ્ત અહેવાલો અનુસાર, મૃતક વિદ્યાર્થીની બી-ટેક ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના મૃત્યુના કારણો હજુ અસ્પષ્ટ છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ અને મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે આ ઘટના પાછળ વ્યક્તિગત કારણો હોઈ શકે છે. ઘટના બાદ યુનિવર્સિટીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં યુનિવર્સિટીના કર્મચારીઓ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરતા અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.


આ વાયરલ વિડીયોમાં, યુનિવર્સિટીના એક અધિકારીને નેપાળી વિદ્યાર્થીઓ પ્રત્યે જાતિવાદી ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. અધિકારીને કહેતા સાંભળવામાં આવે છે કે, "તેઓ 40 હજાર નેપાળી બાળકોને ભણાવી રહ્યા છે. તેઓ તેમને મફતમાં બેસાડીને ખવડાવી રહ્યા છે." આ ઉપરાંત, અન્ય એક મહિલા કર્મચારીને પણ એમ કહેતા સાંભળવામાં આવ્યા છે કે, "તમારા દેશનું બજેટ એટલું વધારે નહીં હોય. 40 હજાર બાળકોને મફતમાં ખવડાવવા માટે તમને આ યુનિવર્સિટી પર ગર્વ હોવો જોઈએ." કર્મચારીઓની આ પ્રકારની સંવેદનહીન ટિપ્પણીઓએ નેપાળી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે.






વિદ્યાર્થીઓનો આરોપ છે કે યુનિવર્સિટી પ્રશાસન સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેઓને યોગ્ય માહિતી આપવામાં આવી રહી નથી. એક વિદ્યાર્થિનીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેઓને હોસ્ટેલમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા અને ખાવા-પીવાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર, તેઓ મૃતક વિદ્યાર્થીનીના મોત અંગે જાણકારી મેળવવા માટે ઇન્ટરનેશનલ ઓફિસ ગયા હતા, પરંતુ તેમને કોઈ મદદ મળી નહોતી, જેના કારણે તેઓ આખી રાત ધરણા પર બેઠા રહ્યા હતા.


દરમિયાન, ભુવનેશ્વરના ડીસીપી પિનાક મિશ્રાએ જણાવ્યું છે કે પોલીસે આ કેસમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી વિદ્યાર્થીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ ચાલુ છે. પોલીસે મૃતક વિદ્યાર્થીનીનો મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય અંગત સામાન જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે.


ડીસીપી મિશ્રાએ વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, કેમ્પસમાં તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે અને પોલીસ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.