Mumbai Drugs Case:  મુંબઈ: ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે તપાસ એજન્સી એનસીબી પર સતત નિશાન સાધી રહ્યા છે. આજે નવાબ મલિકે પુણેના માવલ વિસ્તારમાં એક સભાને સંબોધિત કરતા એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ એક વર્ષમાં સમીર વાનખેડેને જેલમાં મોકલીને રહેશે, આને ખુલ્લો પડકાર સમજે. આ નિવેદન પર સમીર વાનખેડેએ નવાબ મલિક સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી છે.


નવાબ મલિકે કહ્યું, 'સમીર વાનખેડેને હું ખુલ્લો પડકાર આપું છું કે એક વર્ષની અંદર તેની નોકરી જશે, તેનું જેલમાં જવાનું નિશ્ચિત છે. તેના દ્વારા કરવામાં આવેલા ફર્જીવાડા જનતા સામે લાવીશું. સમીર વાનખેડેના પિતા અને તેમના ઘરના તમામ લોકો બોગસ છે. મારા જમાઈને જેલમાં મોકલ્યો અને હવે મને ફોન કરે છે. કોના કહેવા પર આ બધુ થઈ રહ્યું છે. તારા પિતા કોણ છે તેનો જવાબ આપને. તારા પિતાથી હું ડરતો નથી. તને જેલના સળીયા પાછળ મોકલ્યા વગર હું શાંતિથી નથી બેસવાનો.'



એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક સામે કાયદાકીય કાર્યવાહી કરશે. તેમણે કહ્યું, "નવાબ મલિકે મારા પર કરેલા આક્ષેપો ખોટા છે. હું સેવામાં જોડાયો ત્યારથી હું ક્યારેય દુબઈ ગયો નથી. હું મારી બહેન સાથે માલદીવ ગયો નથી. મેં સત્તાવાર રીતે સરકાર પાસેથી રજા લીધી હતી અને મારા પરિવાર સાથે મારા પોતાના પૈસાથી સફર કરી હતી.  મારી બહેન અલગથી માલદીવ ગઈ હતી. "



સમીર વાનખેડે કહ્યું કે નવાબ મલિક વારંવાર મારા પરિવારની મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે. આ એક ખોટી વાત છે અને આ માટે હું ટૂંક સમયમાં કોર્ટમાં જવાનો છું અને કાયદાકીય કાર્યવાહી કરીશ.


અનન્યા પાંડેની NCB ના અધિકારીઓએ પૂછપરછ કરી


ગુરુવારે ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડેની NCB ના અધિકારીઓએ ડ્રગ્સ કેસમાં લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ એનસીબીની મુંબઈ ઓફિસમાં કરવામાં આવી હતી. હવે એજન્સીએ તેને વધુ તપાસ માટે આવતીકાલે એનસીબી ઓફીસમાં બોલાવી છે.  અનન્યા પાંડે આજે NCB નું સમન્સ મળ્યા બાદ પૂછપરછ માટે લગભગ 4 વાગ્યે એજન્સીની ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેના પિતા અને અભિનેતા ચંકી પાંડે પણ હાજર હતા.