નવી દિલ્હીઃ ટમેટાના ભાવમાં વધરો થયા બાદ હવે બીજા શાકભાજીના ભાવ પણ ઝડપથી વધ્યા છે. મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોમાં શાકભાજીના ભાવ આસમાને આંબી રહ્યા છે. ટમેટા 50 થી 70 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે કારેલા, દૂધી, શિમલા મરચા જેવા સીઝનલ શાકભાજી પણ ઘણા મોંઘા થઈ ગયા છે. દેશના અનેક રાજ્યોમાં થેયલા વરસાદના કારણે શાકભાજીના પૂરવઠો ઘટ્યો છે. હોલસેલ માર્કેટમાં પૂરતી માત્રામાં શાકભાજી આવતા ન હોવાથી છૂટક બજારમાં તેની કિંમત વધી રહી છે.


દિલ્હીના હોલસેલ માર્કેટમાં હિમાચલ અને કર્ણાટક આવતા ટમેટાની આવક ઓછી થઈ ગઈ છે. ગત સીઝનમાં ટમેટાના ભાવ ઘણા ગગડી જવાથી ખેડૂતોએ આ વખતે ઓછું વાવેતર કર્યુ હતું. ઉપરાંત અનેક જગ્યાએ વરસાદે પાકને બરબાદ કરી દીધો છે. ટમેટા મોંઘા થવાનું આ પણ એક કારણ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુથી લઈ કેરળ સુધી ટમેટાના પૂરવઠા પર અસર પડી છે.

ટમેટા મોંઘા થવાથી સીઝનલ શાકભાજી પણ મોંઘી થઈ ગઈ છે. શિમલા મરચા, ફ્રેન્ચ બીન્સ, ખારા, કારેલા, દૂધીના ભાવમાં પણ વધારો થયો છે. દિલ્હીના છૂટક બજારમાં શિમલા મરચા 50 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે ફ્રે્ન્ચ બીન્સો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ખીરા 40 રૂપિયા, કારેલા 30 રૂપિયા અને દૂધી 30 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

શાકભાજી વિક્રેતા આ માટે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં થયેલા વધારાને જવાબદાર ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ડીઝલના વધેલા ભાવ બાદ ટ્રાન્સપોર્ટરોએ ભાડું વધાર્યું છે. જેનાથી શાકભાજી મોંઘા થયા છે. વરસાદના કારણે હિમાચલ અને ઉત્તરાખંડથી હાલ જે શાકભાજી આવે છે તેના ભાવ પણ વધી ગયા છે.