જયપુરઃ રાજસ્થાનમાં ઝડપથી બદલાતા રાજકીય ઘટનાક્રમની વચ્ચે સોમવારે રાજકીય ખેંચાખેંચ વધુ તીવ્ર બની છે. બપોર સુધી મોટી સંખ્યામાં ધારાસભ્યો મુખ્યમંત્રી નિવાસ પર ભેગા થયા હતા. વળી, કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયની બહાર લાગેલા પ્રદેશાધ્યક્ષ સચિન પાયલટના પૉસ્ટરોને કેટલાક લોકોએ ઉતારી લીધા છે. જોકે પાર્ટી તરફથી આ વિશે હજુ સુધી કંઇપણ કહેવામાં આવ્યુ નથી. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક આજે સવારે સાડા દસ વાગે થવાની હતી, જે હજુ સુધી ચાલુ નથી થઇ શકી.

પાર્ટીના નેતાઓ અનુસાર કેટલાક ધારાસભ્યોની સાથે સાથે રાજ્યસભા સાંસદ કે સી વેણુગોપાલના આવવાની રાહ જોવાઇ રહી છે. ત્યારબાદ બેઠક શરૂ થશે.



આ બધાની વચ્ચે પાર્ટીના અનેક નેતાઓએ દાવો કર્યો છે કે રાજ્યની અશોક ગેહલોત સરકારને કોઇ ખતરો નથી. પરિવહાન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે સંવાદદાતાઓને કહ્યું કે, કોંગ્રેસ સરકારની પાસે જાદુઓ આંકડો છે, અને રાજ્યની ગેહલોત સરકાર ક્યારે નહીં પડે. પાર્ટી નેતાઓ અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસની સાથે સાથે બીટીપીના બે, માકપાનો એક, રાષ્ટ્રીય લોકદળનો એક ધારાસભ્ય સહિત અનેક અપક્ષ ધારાસભ્યો પહોંચ્યા છે.

આ બધી ખેંચાખેંચની વચ્ચે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયની બહાર લાગેલા પ્રદેશાધ્યક્ષ સચિન પાયલટના પૉસ્ટરો ઉતારી લેવામાં આવ્યા છે. આ પૉસ્ટરોને ઉતારીને કાર્યાલયના પરિસરમાં રાખવામાં આવ્યા છે, જોકે, પાર્ટી તરફથી આ અંગે હજુ સુધી કંઇપણ કહેવામાં નથી આવ્યુ.