Rajasthan Election Date: ચૂંટણી પંચે રાજસ્થાન ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ મતદાનની તારીખ 23મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 25મી નવેમ્બરે મતદાન થશે. તારીખ બદલવા માટે વિવિધ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી. કારણ કે દેવઉઠી એકાદશી 23મીએ છે અને તેથી 23મી નવેમ્બરે મોટી સંખ્યામાં લગ્નો હોઈ છે. તેને ધ્યાનમાં રાખીને તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


 






ચૂંટણી પંચે સોમવારે રાજસ્થાનની સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પાંચ રાજ્યોમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે મતદાન થવાનું છે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.


ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજસ્થાનમાં અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનોએ 23 નવેમ્બર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 23મી નવેમ્બરે ઘણા લગ્ન છે, તેથી તેમને મતદાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.


કયા દિવસે થશે મતદાન ને મતગણતરી


સોમવારે (9 ઓક્ટોબર) બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ સામેલ છે.


મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા હતા અને તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા હતા. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે.





પાંચ રાજ્યોની ચૂંટણીઓની તારીખો જાહેર 


 




મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે, છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે, છત્તીસગઢમાં 7 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. છત્તીસગઢમાં 17 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન યોજાશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની હતી જે હવે 25 તારીખે યોજાશે, તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 30 નવેમ્બરે યોજાશે. ખાસ વાત છે કે, 3 ડિસેમ્બરે તમામ પાંચેય રાજ્યોની મતગણતરી યોજાશે.