National Herald Case: નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લૉન્ડ્રિંગ કેસમાં EDએ કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. ચાર્જશીટમાં સેમ પિત્રોડાનું નામ પણ સામેલ છે. ED એ રાઉસ એવન્યૂ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં આરોપોની નોંધ લેવા માટે કોર્ટે 25 એપ્રિલની સૂનાવણીની તારીખ નક્કી કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટૉરેટે કથિત નેશનલ હેરાલ્ડ મની લૉન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે.
આ પહેલીવાર છે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હરિયાણામાં એક રિયલ એસ્ટેટ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના આરોપો પર તપાસ એજન્સીએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કર્યાના કલાકો બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સી ED એ અત્યાર સુધીમાં AJL એટલે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઇન્ડિયાની લગભગ 751.9 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. આરોપ છે કે કરોડો રૂપિયાની આ મિલકત ગુનામાંથી મળેલા પૈસામાંથી ખરીદવામાં આવી હતી. ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં PMLA હેઠળ આ જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે.
કોંગ્રેસ નેતૃત્વ ચૂપ નહીં રહે - જયરામ રમેશ કોંગ્રેસે આ કાર્યવાહીને બદલાની રાજનીતિ ગણાવી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, "નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી એ કાયદાના શાસનનો ઢોંગ કરીને રાજ્ય પ્રાયોજિત ગુનો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવી એ વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા બદલાની રાજનીતિ અને ધાકધમકી સિવાય બીજું કંઈ નથી. કોંગ્રેસ અને તેનું નેતૃત્વ ચૂપ રહેશે નહીં. સત્યમેવ જયતે."