નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમની સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર થયા બાદ હવે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવશે. વાસ્તવમાં, સીબીઆઈએ આ કેસમાં EDને દસ્તાવેજો સોંપી દીધા છે.






સીબીઆઈએ એફઆઈઆરની નકલ અને દારૂ કૌભાંડ સાથે સંબંધિત અન્ય દસ્તાવેજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને (ED) સોંપી દીધા છે. તેથી હવે તેમની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે.


આ પહેલા સીબીઆઈએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત 14 લોકો સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું. જોકે, મુંબઈની એન્ટરટેઈનમેન્ટ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સીઈઓ વિજય નાયરનું નામ આમાં સામેલ નથી. CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. તેમની સાથે અન્ય ઘણા સરકારી અધિકારીઓના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ 14 કલાક સુધી ચાલી હતી. આ દરોડા દરમિયાન સીબીઆઈએ ઘણા દસ્તાવેજો જમા કરાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક ગુપ્ત દસ્તાવેજો હતા જે કોઈ સરકારી અધિકારીના ઘરે ન હોવા જોઈએ.


લૂકઆઉટ નોટિસ ડેપ્યુટી સર્ક્યુલર જાહેર કરવા પર મનીષ સિસોદિયાએ કહ્યુ હતું કે આ શું ખેલ છે? હું દિલ્હીમાં આઝાદ ફરું છું, બોલો ક્યાં આવવાનું છે?  આ પહેલા સિસોદિયાએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીનું એક નિવેદન પણ શેર કર્યું છે, જેમાં તેઓ સીબીઆઈની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે.  સીબીઆઈએ દારૂની નીતિને લઈને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. તો એ જ સમયે અમેરિકાના પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સમાં દિલ્હીમાં શિક્ષણને લઈને એક લેખ છપાયો. તેમાં મનીષ સિસોદિયાની તસવીર પણ છપાઈ હતી. આ પછી આમ આદમી પાર્ટી (AAP) અને બીજેપી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો.


ભાજપના નેતાઓએ તેને પેઇડ ન્યૂઝ ગણાવ્યા. આ મામલે ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે દિલ્હીની શિક્ષણ પ્રણાલી પર તેની સ્ટોરી ગ્રાઉન્ડ રિપોર્ટિંગના આધારે લખી હોવાનું જણાવી પેઇડ ન્યૂઝના આરોપોને પણ ફગાવી દીધા છે.