કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં ભાગેડુ વિજય માલ્યાની મિલકતોમાંથી થયેલી રિકવરીની જાણકારી આપી હતી. સંસદના શિયાળુ સત્ર દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે વિજય માલ્યાની સંપત્તિઓ વેચીને પબ્લિક સેક્ટરની અનેક બેન્કોને તેમની બાકી રકમ 14,131.6 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.
પીડિતોને હકના પૈસા પરત કરવામાં આવી રહ્યા છેઃ નાણામંત્રી
વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 માટે અનુદાન માટેની પૂરક માંગ પર લોકસભાની ચર્ચા દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભાગેડુ આર્થિક અપરાધીઓની મિલકતો જપ્ત કરી છે અને વિવિધ કૌભાંડોના પીડિતોને તેમના હકના 22,280 કરોડ રૂપિયા પરત કર્યા છે.
નીરવ મોદીની પણ 1,052.58 કરોડ રૂપિયાની મિલકતો પણ વેચીને પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની બેન્કોને પરત કરી દેવામાં આવ્યા છે. દરમિયાન મેહુલ ચોક્સીની જપ્ત સંપત્તિની પણ હરાજી કરવામાં આવશે અને તેમાંથી 2,565.90 કરોડ રૂપિયા વસૂલવામાં આવશે.
તપાસ એજન્સી આર્થિક ગુનેગારોનો પીછો કરી રહી છે
નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL) ના કિસ્સામાં નાણાકીય કૌભાંડનો ભોગ બનેલા રોકાણકારોને 17.47 કરોડ રૂપિયા પણ પરત કરવામાં આવ્યા હતા. સીતારમણે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીએ કોઈપણ આર્થિક અપરાધીને છોડ્યો નથી અને દેશ છોડીને ભાગી ગયેલા લોકોનો પણ સતત પીછો કરવામાં આવ્યો હતો.
EDએ તેમની પાસેથી નાણાં એકત્ર કર્યા અને બેન્કોને પરત કર્યા હતા. નાણામંત્રીએ કહ્યું, અમે આર્થિક ગુનેગારોની ઓળખ કરી અને તેમની પાછળ પડી ગયા હતા. અમે એ સુનિશ્ચિત કરીશું કે જે પૈસા બેન્કોમાં પાછા જવા જોઈએ તે પાછા જાય.
સરકાર ગુનેગારો સામે સતત કાર્યવાહી કરી રહી છે
નાણામંત્રીએ કહ્યું કે 2015નો બ્લેક મની એક્ટ ખરેખર કરદાતાઓ પર સકારાત્મક અસર કરી રહ્યો છે. હવે તેઓ પોતે જ વિદેશમાં હસ્તગત કરેલી મિલકતોનો ખુલાસો કરવા આગળ આવી રહ્યા છે. નાણામંત્રીએ ગૃહને માહિતી આપી હતી કે વિદેશી સંપત્તિની વિગતો આપનારા કરદાતાઓની સંખ્યા 2021-22માં 60,467 થી વધીને 2024-25માં 2 લાખ થઈ ગઈ છે.
એક્ટ હેઠળ જૂન 2024 સુધીમાં 697 કેસોમાં 17,520 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરવામાં આવી છે. કુલ 163 કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે અઘોષિત વિદેશી સંપત્તિઓ પર ટેક્સ લાદવાની કાર્યવાહી પણ કરી છે. આ સિવાય HSBC, ICIJ, પનામા, પેરેડાઈઝ અને પેન્ડોરા લીક સંબંધિત મામલાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ સાથે 582 કેસમાં 33,393 કરોડ રૂપિયાની અઘોષિત આવક પણ મળી આવી છે. નાણાપ્રધાને કહ્યું કે સરકારે વિવિધ તપાસ એજન્સીઓ સાથે મળીને એક મલ્ટી-એજન્સી ગ્રુપ (MAG) ની રચના કરી છે, જે વિદેશી સંપત્તિની માહિતી મેળવ્યા બાદ તાત્કાલિક પગલાં લઈ રહી છે.
ગડકરી અને સિંધિયા જેવા નેતાઓને નૉટિસ આપવાની તૈયારી, ONOE બિલ રજૂ થવાના સમયે હતા ગેરહાજર