શિવસેનાના ટોચના નેતાની પત્નિ હવે EDની ઝપટે, જાણો ક્યા કેસમાં અપાયું સમન્સ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Dec 2020 09:58 AM (IST)
આ કેસમાં ત્રીજી વખત ઇડીએ વર્ષા રાઉતને સમન્સ મોકલ્યું છે. નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ સતત ત્રણ સમન્સ સ્કિપ કરે છે તો ઇડી તે વ્યક્તિ સામે કાનૂની અને ન્યાયિક કાર્યવાહી કરી શકે છે.
મુંબઈ: શિવસેનાના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતને ઈડીએ નોટિસ ફટકારી છે. આ નોટિસ પીએમસી બેંક કૌભાંડની તપાસને લઈને મોકલવામાં આવી છે. સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતને 29 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, સંજય રાઉતના નજીકના પ્રવીણ રાઉતની કેટલાક દિવસો પહેલા ઈડીએ ધરપકડ કરી હતી. પ્રવીણ રાઉતના એકાઉન્ટમાંથી કોઈ પ્રકારનું ટ્રાન્ઝેક્શન વર્ષા રાઉતના એકાઉન્ટમા થયું છે. ઈડી જાણવા માંગે છે કે આ ટ્રાન્ઝેક્શન કેમ થયું અને તેની પાછળનું કારણ શું છે. સમગ્ર જાણકારી મેળવવા માટે વર્ષા રાઉતને નોટિસ મોકલવામાં આવી છે. સંજય રાઉતના રાજ્યસભા ચૂંટણી માટે જે એફિડેવિટ આપ્યું હતું, તેમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે પ્રવીણ રાઉતના એકાઉન્ટમાંથી વર્ષા રાઉતના એકાઉન્ટમાં કેટલાક પૈસા લોન માટે લેવામાં આવ્યા છે. ઈડી આજ લેવડ દેવડ વિશે જાણવા માંગે છે. ગત વર્ષે PMC બેન્કમાં કૌભાંડની વાત સામે આવી હતી. બેન્કે નિયમોને નેવે મૂકીને HDILને મોટી લોન આપી હતી. બાદમાં RBIએ બેન્ક મેનેજમેન્ટને હટાવીને પોતાનો એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કર્યો હતો. કૌભાંડ બહાર આવ્યા પછી હજારો ગ્રાહકો પોતાના પૈસા પરત મળે તેની રાહ જોઈ રહ્યા છે. આ કેસમાં ત્રીજી વખત ઇડીએ વર્ષા રાઉતને સમન્સ મોકલ્યું ઉલ્લેખનીય છે કે આ કેસમાં ત્રીજી વખત ઇડીએ વર્ષા રાઉતને સમન્સ મોકલ્યું છે. નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ સતત ત્રણ સમન્સ સ્કિપ કરે છે તો ઇડી તે વ્યક્તિ સામે કાનૂની અને ન્યાયિક કાર્યવાહી કરી શકે છે. આ મુદ્દે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે, મેં સંજય રાઉત પરિવારને ઇડીની નોટિસ વિશે સાંભળ્યું હતું. શું શ્રી રાઉત અમને કહેશે કે શું તેમનો પરિવાર લાભાર્થી રહ્યો છે? “ રામ કદમે સાધ્યું નિશાન આ સાથે જ ભાજપના નેતા રામ કદમે પણ આ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ રાજકીય બદલો નથી. જ્યારે મહારાષ્ટ્ર સરકાર પોલીસ અને અધિકારીઓ દ્વારા કેટલાક લોકો પર કાર્યવાહી કરે છે અને બીજાઓના મકાનો તોડે છે, ત્યારે તેઓ આવું બોલતા નથી, પરંતુ જ્યારે કેન્દ્રની એજન્સી સંજય રાઉતના પરિવારને નોટિસ મોકલે છે, ત્યારે તેને બદલાની કાર્યવાહી કહેવામાં આવે છે, આ કયા પ્રકારનાં બેવડા ધોરણો છે?