Delhi Excise Policy: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. EDએ તેમને દિલ્હી લિકર પોલિસી કેસમાં 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું છે. અગાઉ 2 નવેમ્બરના રોજ ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે નોટિસ મોકલી હતી, પરંતુ તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી.
તમને જણાવી દઈએ કે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અન્ય આરોપીઓની પૂછપરછના આધારે ED કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે.
અગાઉની નોટિસ પર AAPએ શું કહ્યું ?
આમ આદમી પાર્ટી (AAP) દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં તેના નેતાઓ સામેની કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવી રહી છે. AAPનું કહેવું છે કે ભાજપ રાજકીય બદલો લેવા માટે પાર્ટીને ખતમ કરવા માંગે છે.
ગત વખતે જ્યારે EDએ સીએમ કેજરીવાલને નોટિસ મોકલી ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે તેમને જેલમાં મોકલવાનું ષડયંત્ર છે. અમે જેલમાંથી જ દિલ્હીમાં સરકાર ચલાવીશું. પાર્ટીએ આ માટે અભિયાન પણ શરૂ કર્યું હતું.
CBI દ્વારા પૂછપરછ કરવામાં આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમણે સીબીઆઈ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમગ્ર કથિત દારૂનું કૌભાંડ ખોટું અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે.
દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021ના રોજ આ નીતિ લાગુ કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર 2022ના અંતમાં તેને રદ કરી દીધી હતી. તપાસ એજન્સીઓ અનુસાર, નવી પોલિસી હેઠળ હોલસેલરનો નફો પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે.
મનીષ સિસોદિયા હાલમાં દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં જેલમાં છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સિસોદિયાની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી.
કથિત એક્સાઈઝ પોલીસી મામલે 16 એપ્રિલના રોજ CBIએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી . જેમાં 56 સવાલ પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ મીડિયા સમક્ષ કેજરીવાલે જણાવ્યું હતું કે સમગ્ર એક્સાઈઝ પોલીસી ખોટી છે. જે ગંદા રાજકારણથી પ્રેરિત છે, આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. અમે મરી જઈશું પણ અમારી ઈમાનદારી સાથે સમાધાન નહીં કરીએ.