ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે આજે સવારે હૈદરાબાદમાં નિધન થયું છે. હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન રામોજી રાવનું નિધન થયું હતું.  તેમણે સવારે 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.






રામોજી રાવ તેમના નિધનના થોડા દિવસો પહેલા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા. રામોજી રાવના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રામોજી ફિલ્મ સિટીમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે. જ્યાં પરિવાર, મિત્રો અને શુભેચ્છકો દિવંગત આત્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. રામોજી રાવને ફિલ્મ મુગલ કહેવામાં આવતા હતા. તેમનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. તેઓ 87 વર્ષના હતા. હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા રામોજીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. હોસ્પિટલમાં તેમને આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે રામોજી રાવને થોડા વર્ષો પહેલા આંતરડાનું કેન્સર થયું હતું. સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા.


ખેડૂત પરિવારમાં જન્મ


રામોજી રાવનું જીવન લોકો માટે પ્રેરણાદાયી છે. રામોજીનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પેડાપરુપુડી ગામમાં થયો હતો. તેઓ એક ખેડૂત પરિવારમાંથી હતા. તેમનું જીવન ગરીબીમાં વિત્યું હતું.


રામોજીએ વિશ્વના સૌથી મોટા થીમ પાર્ક અને ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટીની સ્થાપના કરી હતી. માર્ગદર્શી ચિટ ફંડ, ઈનાડુ ન્યૂઝપેપર, E.T.V નેટવર્ક, રમાદેવી પબ્લિક સ્કૂલ, પ્રિયા ફૂડ્સ, કલાંજલિ, ઉશાકિરણ મૂવીઝ, મયુરી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ડોલ્ફિન ગ્રુપ ઑફ હોટલ્સ એ રામોજી રાવની માલિકીની કંપનીઓ છે.


રામોજી ફિલ્મ સિટીની સ્થાપના 1996માં કરવામાં આવી હતી


દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતા અને પદ્મ પુરસ્કાર વિજેતા રામોજી રાવે 1996માં આ ફિલ્મ સિટીની સ્થાપના કરી હતી. ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલી મુશ્કેલીઓ જોઈને તેમણે એક એવી ફિલ્મ સિટીની કલ્પના કરી હતી, જેમાં કહેવાય છે કે ફિલ્મ મેકર્સ અહીં માત્ર સ્ક્રિપ્ટ લઈને આવે છે અને ફિલ્મ બનાવીને પાછા જાય છે. અહીં દર વર્ષે લગભગ 200 ફિલ્મોનું શૂટિંગ થાય છે. અત્યાર સુધીમાં અહીં લગભગ 2000 ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે.


તેમાં હિન્દી, ભોજપુરી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, બંગાળી, ઉડિયા અને અન્ય ભાષાઓની ફિલ્મોનો સમાવેશ થાય છે. અહીંની હિન્દી ફિલ્મોમાં ક્રિશ-3, જય હો, રોબોટ, કિસ્મત કનેક્શન, સરકાર રાજ, ગોલમાલ, હિમ્મતવાલા, ચેન્નઈ એક્સપ્રેસ અને દિલવાલે વગેરેનો સમાવેશ થાય છે. બાહુબલી ફિલ્મના બંને ભાગનું શૂટિંગ અહીં પૂર્ણ થયું હતું.