ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ આપ્યા છે કે તે કોરોના રસિકરણ સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીરને હટાવી દે. સ્વાસ્થ્ય વિભાગને લખેલ પત્રમાં ચૂંટણી આચાર સંહિતાના નિયમો અંતર્ગત પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. સચાર એજન્સી પીટીઆઈ અનુસાર કહેવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવામાં આવેલ એક પત્રમાં ચૂંટણી પંચે આચાર સંહિતાની કેટલીક જોગવાઈને ટાંકીને કહ્યું છે કે, સરકારી ખર્ચે જાહેરાત પર પ્રતિબંધ લાગે છે.

ચૂંટણી પંચ અને મંત્રાલયની વચ્ચે થયેલ વાતચીતથી જાણકાર સૂત્રોએ કહ્યું છે કે, ચૂંટણી પંચે કોઈ વ્યક્તિને ટાંકીને નથી કહ્યું. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયને કહ્યું છે કે, તે આચાર સંહિતાની જોગવાઈનું અક્ષરશઃ પાલન કરે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયે હવે કદાચ ફિલ્ટરનો ઉપયોગ કરવો પડશે જેથી પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી (જ્યાં જ્યાં ચૂંટણી થવાની છે)માં કોવિડ-19 રસીકરણના સર્ટિફિકેટ પર પીએમની તસવીર ન છાપે. સિસ્ટમમાં આ ફિલ્ટરને અપલોડ કરવામાં સમય લાગશે.

નોંધનીય છે કે, કોરોના રસી લીધા બાદ તેના લાભાર્થીઓને આપવામાં આવનાર ડિજિટલ કોવિડ-19 વેક્સીનેશન સર્ટિફિકેટ્સ પર પીએમ મોદીની તસવીરના ઉપયોગ વિરૂદ્ધ ટીએમસીએ ચૂંટણી પંચને મંગળવારે ફરિયાદ કરી હતી. ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયને તેના પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ આ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.