નવી દિલ્હી: ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને નોટિસ ફટકારી છે અને શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે. યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી કેજરીવાલને લઈ નિવેદન આપ્યું હતું કે, દિલ્હીની કેજરીવાલ સરકાર માત્રને માત્ર શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા લોકોને બિરયાની ખવડાવવાનું કામ કરી રહી છે.

દિલ્હીના કરાવલ નગરમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા સીએમ યોગીએ આ નિવેદન આપ્યું હતું. સીએમ યોગીએ કહ્યું હતું કે, આજે આતંકવાદીઓને બિરયાની ખવડાવવામાં નથી આવી રહી. આ બિરયાનીનો શોખ કાં તો કાશ્મીરમાં કૉંગ્રેસને હતો કાં તો શાહીન બાગ જેવી ઘટનાઓમાં કેજરીવાલને છે. ભાજપને નથી.


ઉલ્લેખનીય છે આ પહેલા ચૂંટણી પંચ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માને વિવાદિત નિવેદન આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ચૂંટણી પંચે પ્રવેશ વર્મા પર બે વખથ ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થયા છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ પૂરી તાકાત લગાવી દીધી હતી. દિલ્હીના રસ્તાઓ પર રોડ શો, જનસભા, ભાષણના માધ્યમથી નેતાઓ પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના મતદાન યોજાશે. જેને લઈને 2689 સ્થળો પર 13750 મતદાન કેંદ્ર બનાવવામાં આવ્યા છે. ચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચ આશરે 70 કરોડનો ખર્ચ કરશે. 8 ફેબ્રુઆરીના સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 11 ફેબ્રુઆરીના પરિણામ જાહેર થશે.