ECI Advisory to Rahul Gandhi: લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે, ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને જાહેર સભાઓ દરમિયાન તેમના નિવેદનો વિશે સાવધ રહેવાની સલાહ આપી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ભવિષ્યમાં જાહેર સભાઓ દરમિયાન વધુ સતર્ક અને સાવચેત રહેવા જણાવ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ભાષણ આપતી વખતે પિકપોકેટ અને પનોતી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે ચૂંટણી પંચને તેના પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે આ એડવાઈઝરી રાહુલ ગાંધી દ્વારા અગાઉના પીએમ મોદી માટે 'પનૌતી' અને 'ખિસ્સાકાતરુ' જેવા શબ્દોના ઉપયોગને લઈને જારી કરી છે. ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી, જેની નોંધ લેતા પંચે 23 નવેમ્બર 2023ના રોજ રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. આ અંગે રાહુલ ગાંધીના જવાબ બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
આ સાથે, ગયા વર્ષે ડિસેમ્બરના દિલ્હી હાઈકોર્ટના આદેશને અનુસરીને, ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારકો અને રાજકીય નેતાઓ માટે જારી કરાયેલી તાજેતરની સલાહનું યોગ્ય રીતે પાલન કરવાનું પણ કહ્યું છે.
આ વર્ષે 1 માર્ચે જારી કરાયેલ એડવાઈઝરીમાં, ચૂંટણી પંચે ચેતવણી આપી હતી કે આદર્શ આચાર સંહિતાના કોઈપણ ઉલ્લંઘન માટે, પક્ષો, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોએ માત્ર નૈતિક નિંદાને બદલે કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો જેમને અગાઉ નોટિસ મળી છે જો તેઓ ફરીથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે ગયા વર્ષે ગાંધીને નોટિસ ફટકારી હતી, જ્યારે કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન માટે 'પનૌતી' અને 'ખિસ્સા કાતરું' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. 21 ડિસેમ્બરે, દિલ્હી હાઈકોર્ટે પંચને આ ટિપ્પણીઓ માટે ગાંધીને આપવામાં આવેલી નોટિસ પર નિર્ણય લેવા માટે પણ કહ્યું હતું, અને કહ્યું હતું કે નવેમ્બર 2023 માં આપેલા ભાષણ દરમિયાન કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલ નિવેદન યોગ્ય નથી.