મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી પંચ તરફથી મોટી રાહત મળી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 9 બેઠકો પર યોજાનારી ચૂંટણીને લઈને આજે બેઠક કરી. આ બેઠક બાદ ચૂંટણી પંચે મહારાષ્ટ્રની 9 વિધાન પરિષદો માટે 21 મેને મતદાન અને પરિણામની તારીખ નક્કી કરી છે. ઉદ્ધવ ઠાકરે માટે આ ચૂંટણી એટલે મહત્વપૂર્ણ છે કારણ કે આ 9 વિધાન પરિષદ બેઠકોમાંથી 1 બેઠક પરથી ઉદ્ધવ ઠાકરે ચૂંટાઈ વિધાનસભા જશે.


હાલ ઉદ્ધવ ઠાકરે વિધાનસભાના સદસ્ય નથી અને નિયમોના હિસાબથી જરૂરી છે કે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લીધાના 6 મહિનાની અંદર વિધાનસભાના સદસ્ય બને જો આમ ન થયા તો તેમણે પોતાનું પદ છોડવું પડે. પરંતુ હવે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે.

ચૂંટણી પંચે જે તારીખોની જાહેરાત કરી તે મુજબ મહારાષ્ટ્રની 9 વિધાન પરિષની બેઠકો માટે નોટિફિકેશન 4 મેના જાહેર થશે અને 11મે સુધી નામાંકન કરી શકાશે. ઉમેદવારી પરત લેવાની તારીખ 14 મે હશે અને 21 મેના સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન અને 21મેના સાંજે 5 વાગ્યે મતોની ગણતરી થશે અને એજ દિવસે પરીણામ પણ સામે આવશે.

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ચૂંટણી પંચને વિધાન મંડળની નવ ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણી યોજવા અનુરોધ કર્યો હતો, જેની ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે.

નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા, ત્યારે તે કોઇપણ વિધાનમંડળના સભ્ય ન હતા. આવામાં નિયમ પ્રમાણે સીએમ બનવાના છ મહિનાની અંદર કોઇપણ સદનના સભ્ય હોવા જરૂરી બને છે.