EC Arun Goel Resigns: ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો. તેમણે લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈને ખ્યાલ નહોતો કે અરુણ ગોયલ આ રીતે પોતાના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. તો બીજી તરફ, ત્રણ દિવસ પછી પંચે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાનું છે અને માત્ર બે દિવસ પહેલાં જ પંચ પશ્ચિમ બંગાળના પ્રવાસ પરથી પરત ફર્યું છે.


 






અરુણ ગોયલ જ  ચૂંટણી કમિશનર તરીકે કામ જોઈ રહ્યા હતા


સૂત્રોનું કહેવું છે કે આ રાજીનામું વધુ મહત્ત્વનું છે કારણ કે હાલમાં મુખ્ય ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય અરુણ ગોયલ જ  ચૂંટણી કમિશનર તરીકે કામ જોઈ રહ્યા હતા. જ્યારે કમિશનમાં કુલ 3 લોકો છે. મતલબ કે આ સ્થિતિ પછી પંચમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર જ બચ્યા છે.


હવે ચૂંટણી તંત્રની સમગ્ર જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે. અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે ચૂંટણી તૈયારીઓ માટે ઘણા રાજ્યોની મુલાકાતે ગયા હતા. હવે તેમણે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સંદર્ભમાં, શનિવારે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું સ્વીકાર્યું છે, જે 09 માર્ચ, 2024 થી પ્રભાવી માનવામાં આવશે.


અરુણ ગોયલ 1985 બેચના IAS ઓફિસર રહી ચૂક્યા છે. તેમણે 18 નવેમ્બર, 2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને બીજા જ દિવસે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી. તેમની નિમણૂક વિવાદાસ્પદ હતી અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, વીઆરએસ લેવાના બીજા જ દિવસે અરુણ ગોયલને ચૂંટણી કમિશનરના પદ પર નિયુક્ત કરવાની શું ઉતાવળ હતી.


કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, કાયદા મંત્રીએ શોર્ટલિસ્ટ કરાયેલા નામોની યાદીમાંથી ચાર નામ પસંદ કર્યા. ફાઈલ 18 નવેમ્બરે વિચારણા માટે મૂકવામાં આવી હતી અને તે જ દિવસે આગળ લઈ જવામાં આવી હતી. વડાપ્રધાને પણ એ જ દિવસે નામની ભલામણ કરી હતી. અમે કોઈ સંઘર્ષ ઈચ્છતા નથી, પરંતુ આ બધું ખૂબ જ ઉતાવળે કરવામાં આવ્યું હતું. આખરે આટલી શા માટે કરવામાં આવી?