Assembly Elections Result: ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ ઉત્તર-પૂર્વમાં વધુ સારું પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળેલી ભારત જોડો યાત્રાની અસર જોવા મળશે, પરંતુ એવું થયું નથી. ત્રિપુરાની વાત કરીએ તો એક તરફ જ્યાં બીજેપી અહીં બીજી વખત બહુમતીની નજીક છે તો બીજી તરફ કોંગ્રેસ અહીં ખાતું પણ ખોલવામાં અસમર્થ છે. ત્રિપુરામાં ભાજપ હાલમાં 29 સીટો પર આગળ છે. શરૂઆતના વલણોની સરખામણી કરીએ તો હાલના આંકડા ભાજપ માટે સુખદ પણ કહી શકાય નહીં, કારણ કે શરૂઆતમાં ભાજપને બહુમતી મળતી દેખાતી હતી, જે હવે બહુમતીના આંકડાથી દૂર છે.


આ સિવાય નાગાલેન્ડમાં કોંગ્રેસની હાલત વધુ ખરાબ છે. કોંગ્રેસ અહી ખાતું પણ ખોલાવી શકી નથી. નાગાલેન્ડની 60માંથી 55 સીટોનો ટ્રેન્ડ આવી ગયો છે. કોંગ્રેસ આમાંથી એક પણ બેઠક મેળવી શકી નથી. મેઘાલયમાં કોંગ્રેસ માત્ર ચાર સીટો પર આગળ છે. શરૂઆતના વલણો જોઈને ખુદ કોંગ્રેસના નેતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ આંકડાઓને જોતા કહી શકાય કે 2023ની શરૂઆત કોંગ્રેસ માટે નિરાશાજનક રહી છે. ઉલ્લેખનીય છે કે, 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી આ ચૂંટણી વધુ મહત્વની બની જાય છે.


નાગાલેન્ડમાં ભાજપની ફરી જીત


નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન 43 સીટો પર આગળ છે અને સત્તાની નજીક જોવા મળી રહ્યું છે. અહીં NPF 3 સીટો પર આગળ છે. અન્ય ઉમેદવારો 08 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. આ વલણો અનુસાર ભાજપ ગઠબંધન સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ રાજ્યનું ચૂંટણી પરિણામ દુઃસ્વપ્ન સમાન છે. કોંગ્રેસ આ રાજ્યમાં 2003થી સત્તામાં પરત ફરી શકી નથી.


મેઘાલયમાં કોંગ્રેસની હાલત


કોનરેડ સંગમાની NPP હવે મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. તાજેતરના વલણોમાં NPP 23 બેઠકો પર આગળ છે. TMC હવે માત્ર 8 સીટો પર આગળ છે. અન્ય 16 સીટો પર આગળ ચાલી રહ્યા છે. મેઘાલયમાં ભાજપ અને કોંગ્રેસ 6-6 સીટો પર આગળ છે. મતલબ કે અહીં પણ કોંગ્રેસ ડબલ ફિગરને સ્પર્શી શકી નથી. મેઘાલયમાં જ્યાં કોંગ્રેસે આ વખતે નવા ચહેરાઓ પર દાવ લગાવવાની કોશિશ કરી હતી. ત્યાં રાહુલ ગાંધીએ પણ અહીં રેલી કરી હતી. પરંતુ જનતા પર તેની બહુ અસર થાય તેવું લાગતું નથી.


દરમિયાન, ચૂંટણીના વલણોને જોતા કોંગ્રેસે સ્વીકાર્યું છે કે તે તેમના માટે આંચકો છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે આ પરિણામોને સમગ્ર દેશમાં લાગુ કરવું ખોટું હશે. તેમણે કહ્યું કે અહીં ભાજપના પ્રચારની જીત થઈ છે. પરંતુ તેને આખા દેશનો ટ્રેન્ડ કહેવું ખોટું છે.