Emmanuel Macron: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે જયપુરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શો જંતર-મંતરથી શરૂ થઈને સાંગાનેરી ગેટ સુધી ચાલ્યો હતો. દરમિયાન રોડ શો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ પીએમ મોદી અને મેક્રોન પર ફૂલ પણ વરસાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ મેક્રોનને રામ મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું હતું અને તેમને એક દુકાનમાં મસાલા ચા પણ પીવડાવી હતી.




વાસ્તવમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ગુરુવારે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે ભારત પહોંચ્યા હતા. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને તેઓ જયપુર પહોંચ્યા જ્યાં રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ મેક્રોનનું સ્વાગત કર્યું હતું અહીં મેક્રોને આમેર કિલ્લો, જંતર-મંતર વેધશાળા અને હવા મહેલની મુલાકાત લીધી હતી.






રોડ શો સમાપ્ત થયા બાદ પીએમ મોદી અને મેક્રોન ખુલ્લી કારમાં હવા મહેલની સામે ઉતર્યા હતા. તેમણે લગભગ 1,000 બારીઓ અને વેન્ટ્સ સાથે ચમકતી પાંચ માળની ઇમારતની પ્રશંસા કરી હતી. . બંને નેતાઓએ આ વિસ્તારમાં એક હસ્તશીલ્પ દુકાનની મુલાકાત લીધી હતી. દુકાનદારના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ મેક્રોન માટે રામ મંદિરનું નાનું મોડલ ખરીદ્યું હતું અને તેના માટે યુપીઆઈ દ્વારા 500 રૂપિયા પણ ચૂકવ્યા હતા. રામ મંદિરનું મોડલ મળવા પર મેક્રોને કહ્યું- અયોધ્યા જવું પડશે.






પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનાર છઠ્ઠા ફ્રેન્ચ નેતા


મેક્રોન મુખ્ય અતિથિ તરીકે દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપશે. આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રેન્ચ આર્મીની ટુકડી ભાગ લઈ રહી છે. આ સમારોહમાં બે રાફેલ ફાઈટર એરક્રાફ્ટ અને ફ્રેન્ચ એરફોર્સનું એરબસ A330 મલ્ટી-રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ ભાગ લેશે. મેક્રોન પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનાર છઠ્ઠા ફ્રેન્ચ નેતા (પાંચમા રાષ્ટ્રપતિ) છે, તેની પહેલાં 2016માં ફ્રાન્સના તત્કાલિન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ, 2008માં નિકોલસ સરકોઝી, 1998માં જેક્સ શિરાક, 1980માં વાલેરી ગિસ્કાર્ડ ડી'એસ્ટૈગ અને 1976માં વડાપ્રધાન જેક શિરાક ભારતના પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ બન્યા હતા.