નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અપીલ કરી હતી કે તે પાર્ટી પ્રમુખના પદ પરથી રાજીનામું ના આપે. જો રાહુલ ગાંધી રાજીનામું આપશે તો દક્ષિણ ભારતના કોગ્રેસના કાર્યકર્તાઓ આત્મહત્યા કરી લેશે. શનિવારે કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠક દરમિયાન પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને રાહુલ ગાંધીના પદ પર રહેવાની અપીલ કરી હતી. સૂત્રોના મતે રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપવાની જીદ કરી રહ્યા છે.


કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધી પાર્ટીમા કોઇ પણ પ્રકારના ફેરફાર કરવા માટે સ્વતંત્ર છે પરંતુ પોતાની ભૂમિકામાં તેઓ કોઇ ફેરફાર કરે નહીં.

વર્કિગ કમિટીએ કહ્યુ કે, કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોગ્રેસ કાર્યસમિતિ સમક્ષ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી છે. પરંતુ કાર્યસમિતિના સભ્યોએ સર્વસંમતિથી તેને ફગાવી કોગ્રેસ અધ્યક્ષને વિનંતી કરી છે કે પડકારરૂપ પરિસ્થિતિમાં પાર્ટીને રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શનની જરૂર છે.