નવી દિલ્હીઃ એનડીએ નેતાઓ દ્વારા રાષ્ટ્રપતિને સમર્થન પત્ર સોંપવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. શપથગ્રહણ સમારોહને લઇ મોદીએ કોઇ તારીખ નક્કી ન હોવાનું જણાવ્યું હતું.


કોવિંદ સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં વડાપ્રધાને કહ્યું, તેમની સરકાર અટક્યા વગર ઝડપથી કામ કરશે. જનાધારની સાથે જન અપેક્ષાઓ જોડાયેલી છે. સરકાર નવા મિજાજ સાથે કામ કરશે.


એનડીએના સસંદીય દળના નેતા ચૂંટાયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં બીજેપી સાંસદોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે 2019ની ચૂંટણી મારા માટે એક તીર્થયાત્રા હતી. તેમણે કહ્યું હતું કે જનપ્રતિનિધિઓ માટે કોઈ પરાયા નથી હોતા, દિલોને જીતવાનો પ્રયત્ન કરો. વિશ્વાસની લહેર જ્યારે મજબૂત હોય છે ત્યારે પ્રો-ઇન્કમબન્સીની લહેર ચાલે છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, વિનોબા ભાવે કહેતા હતા કે ચૂંટણી લોકોને અલગ પાડી દે છે, દિવાલ ઉભી કરી નાખે છે, જોકે 2019ની ચૂંટણીએ બધી દિવાલો તોડી નાખી હતી. મેં એકસમયે કહ્યું હતું કે મોદી જ મોદીનો ચેલેન્જર છે. આ વખતે મોદીએ મોદીને ચેલેન્જ કરી અને 2014ના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

સદનમાં મહિલાઓની સંખ્યોનો રેકોર્ડ પણ આ વખતે તૂટ્યો છે. આઝાદી બાદ આ વખતે પ્રથમ વખત સૌથી વધુ મહિલાઓ સંસદમાં બેસશે. તેમણે નવા અને જૂના સાંસદોને બડાઈ ન મારવા અને અહંકારથી બચવાની સલાહ પણ આપી છે.