કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, સૈન્યએ લગભગ ત્રણ આતંકવાદીઓને ઘેર્યા હતા જેમાં એક આતંકીને ઠાર માર્યો છે જ્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
વાસ્તવમાં સુરક્ષાદળોને મોડી રાત્રે અનંતનાગના કોકેરનાગમાં આતંકવાદીઓની હાજરીની જાણકારી મળી હતી. ત્યારબાદ સૈન્ય, પોલીસ અને સીઆરપીએફના જવાનોએ મળીને સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને આતંકવાદીઓને ઘેરવામાં સફળતા મળી હતી.
આ દરમિયાન આતંકીઓએ સૈન્ય પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન સૈન્યએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો. જાણકારી અનુસાર, બંન્ને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. અથડામણ વચ્ચે વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના બારામૂલામાં લશ્કર-એ-તૌયબાના સંદિગ્ધ આતંકવાદીઓએ વન વિભાગના એક અધિકારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસ પ્રવક્તાના મતે આજે સાંજે આતંકવાદીઓએ તારીક અહેમદ મલિકના ઘરમાં ઘૂસીને તેમને ગોળી મારી હતી. પ્રારંભિક તપાસમાં લશ્ક-એ-તૌયબાના આતંકવાદી યુસુફ ડાર ઉર્ફ કંટરુની સંડોવણી સામે આવી છે.