નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસ મામલે 105 દિવસ તિહાડ જેલમાં રહ્યા બાદ જામીન પર બહાર આવેલા પૂર્વ નાણા મંત્રી પી ચિદંમ્બરમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કૉંગ્રેસની આગેવાનીવાળા કાર્યકાળ દરમિયાન એર ઈન્ડિયા માટે એરબસ અને બોઈંગ વિમાન ખરીદીમાં કરોડો રૂપિયાના નાણાકીય ગરબડ અને તેની સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ મામલામાં ઈડીએ ચિદંમ્બરમની શુક્રવારે આશરે 6 કલાક સુધી પુછપરછ કરી હતી.


ઈડીના સૂત્રોની જાણકારી મુજબ ચિદંમ્બરનુ નિવેદનન મની લોન્ડ્રિંગ કાયદા મુજબ નોંધવામાં આવ્યું છે. આ પહેલા ઈડીએ ચિદંમ્બરને એર ઈન્ડિયાના 111 વિમાનની ખરીદીના સંબંધમાં 23 ઓગસ્ટે પુછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમની 20 ઓગસ્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી.

તિહાડ જેલમાંથી મુક્ત થયા બાદ ચિદંબરમની પ્રથમવાર પૂછપરછ કરાઇ હતી. આ મામલો કરોડો રૂપિયાના  વિમાન કૌભાંડ અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ માટે એર સ્લોટ નક્કી કરવામાં અનિયમિતતાઓને કારણે એર ઇન્ડિયાને થયેલા કથિત નુકસાન સાથે સંબંધિત છે. ઇડીની તપાસ રાષ્ટ્રીય એરલાઇન માટે લગભગ 70 હજાર કરોડ રૂપિયામાં 111 વિમાન ખરીદવા સાથે પણ જોડાયેલી છે.