ED Summons Sonia Gandhi:  નેશનલ હેરાલ્ડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નવેસરથી સમન્સ જારી કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ તેમને 13-14 જૂને હાજર થવા માટે બોલાવ્યા છે.


આ પહેલા પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આ માહિતી આપી છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે નેશનલ હેરાલ્ડ કેસને લઈને આ નોટિસ જારી કરવામાં આવી છે. જે બાદ હવે સોનિયા અને રાહુલ 8મી જૂને પૂછપરછ માટે EDના અધિકારીઓની સામે હાજર થઈ શકે છે.


કોંગ્રેસે કહ્યું- મક્કમતાથી સામનો કરીશું
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 2015માં EDએ આ કેસ બંધ કરી દીધો હતો. જો શાસક પક્ષને તે પસંદ ન આવ્યું તો EDના અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા, નવા લોકોની નિમણૂક કરવામાં આવી અને હવે તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલી રહ્યા છે. થોડા દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ અમે તેનો મજબૂતાઈથી સામનો કરીશું. સોનિયા ગાંધી 8 જૂને પૂછપરછ માટે જશે, જો રાહુલજી ફ્રી હશે તો તેઓ પણ જઈ શકે છે.


કોંગ્રેસે ED અને PM મોદી પર નિશાન સાધ્યું
પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, અમે ગભરાઈશું નહીં, ઝૂકીશું નહીં... સામી છાતીએ લડીશું. કોંગ્રેસે બ્રિટિશ શાસનને ઉથલાવી પાડવા નેશનલ હેરાલ્ડ અખબાર બહાર પાડ્યું. અંગ્રેજોને એટલો ભય લાગ્યો કે તેમણે ભારત છોડો ચળવળ દરમિયાન અખબાર પર પ્રતિબંધ મૂકી દીધો. આજે ફરીથી બ્રિટિશ શાસનને ટેકો આપતી વિચારધારા આ સ્વતંત્રતા ચળવળને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ષડયંત્રના વડા ખુદ પીએમ મોદી અને તેમની પાલતુ ઇડી છે. દેશને ગેરમાર્ગે દોરનારી મોદી સરકાર બદલાની ભાવનામાં આંધળી બની છે. સુરજેવાલાએ કહ્યું કે, હવે મોદીજીએ ED દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નોટિસ પાઠવી છે. તે સ્પષ્ટ છે કે સરમુખત્યાર ડરી ગયો છે. દેશને ગેરમાર્ગે દોરવા માટે કોંગ્રેસ વિરુદ્ધ ઘૃણાસ્પદ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.