દેશના નોકરીયાત વર્ગ માટે માઠા સમાચાર આવ્યા છે. આસામના ગુવાહાટીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, કર્મચારી ભવિષ્ય નિધિની 230મી બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ શનિવારે જાહેરાત કરી છે કે, હાલના નાણાકીય વર્ષ 2021-22માં કર્મચારી ભવિષ્ય નિધિમાં કરવામાં આવેલી થાપણો પર 8.1 ટકાનો વ્યાજ દર મળશે.
40 બેસિસ પોઈન્ટના ઘટાડા સાથે હવે લાગુ થનાર નવો વ્યાજ દર લગભગ ચાર દાયકામાં સૌથી નીચો છે. આ નવા વ્યાજદરથી લગભગ 5 કરોડ EPFO સબસ્ક્રાઈબર્સ કર્મચારીઓને આંચકો આપશે. 1977-78ના વર્ષમાં 8 ટકા વ્યાજ દર હતો. ત્યાર પછી આ સૌથી નીચો EPF વ્યાજ દર છે.
ગયા નાણાકીય વર્ષમાં વ્યાજ દર 8.5 ટકા રાખવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા માર્ચ 2021માં તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીટીઆઈને એક સૂત્રએ જાણકારી આપી છે કે, "એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે શનિવારે યોજાયેલી તેની બેઠકમાં 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) પર 8.1 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે,"
CBTના નિર્ણય પછી, 2021-22 માટે EPF થાપણો પરના વ્યાજ દરને સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. EPFO નાણા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા મંજૂર કર્યા પછી આ નવો 8.1 ટકાનો વ્યાજ દર લાગુ કરવામાં આવશે.
ભુતકાળમાં EPFOએ નોકરીયાત વર્ગના લોકોને આપેલા વ્યાજદર તરફ નજર કરીએ તો, EPFOએ 2016-17માં 8.65 ટકા અને 2017-18માં 8.55 ટકા વ્યાજ દર આપ્યો હતો. 2015-16માં વ્યાજ દર 8.8 ટકા આપવામાં આવ્યો હતો. EPFOએ પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરનો વ્યાજ દર 2018-19માં 8.65 આપ્યો હતો જ્યારે 2019-20 માટે વ્યાજ દર 8.5 ટકા રાખ્યો હતો જે સાત વર્ષના નીચલા સ્તર પર હતો.