કાશ્મીરઃ યુરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ મંગળવારે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે. પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કોઇ વિદેશી પ્રતિનિધિમંડળનો આ પ્રથમ કાશ્મીર પ્રવાસ હશે. કલમ 370 હટ્યા બાદ દુનિયાભરમાં જમ્મુ કાશ્મીરનો  મુદ્દો છવાયો છે. પાકિસ્તાન તરફથી સતત આ મુદ્દો ઇન્ટરનેશનલ સ્તર પર ઉઠાવવામાં આવી રહ્યો છે. એવામાં યુરોપિયન પ્રતિનિધિમંડળનો આ પ્રવાસ ખૂબ  મહત્વનો છે.

જમ્મુ કાશ્મીર જનારા યુરોપિયન સાંસદના પ્રતિનિધિમંડળમાં કુલ 28 સભ્યો હશે. આ પ્રતિનિધિમંડળ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરશે. અત્યાર સુધી ભારત તરફથી કોઇ વિદેશી પ્રતિનિધિમંડળને જમ્મુ કાશ્મીર જવાની મંજૂરી આપી નથી.


આ સભ્યોને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આમંત્રણ આપ્યું હતું. આ આખી વિઝિટને એક યુરોપિયન એનજીઓ દ્ધારા આયોજીત કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટાભાગના ઇટાલિયન મેમ્બર છે. કલમ 370ને હટાવ્યા બાદ ભારતે દુનિયાના મોટા દેશોમાં પોતાનો પક્ષ રાખ્યો હતો જેમાં તમામ નિયમો, પાકિસ્તાન દ્ધારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને સમજાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અનેક દેશોમાં પ્રેઝન્ટેશન આપવામાં આવી છે જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદને પણ ઉજાગર કરાયો છે.