મુંબઇઃ મુંબઇમાં નૌસેનાના પૂર્વ અધિકારી સાથે મારપીટ કરવાના છ આરોપીઓને જામીન મળવાના વિરોધમાં ભારતીય જનતા  પાર્ટીના કાર્યકર્તાઓએ એડિશનલ પોલીસ કમિશનરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મારપીટનો શિકાર બનેલા નૌસેનાના પૂર્વ અધિકારી મદન શર્માની દીકરી પણ સામેલ રહી હતી. ભાજપના કાર્યકર્તાઓએ આરોપીઓ વિરુદ્ધ બિન જામીનપાત્ર ગુના હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી રહ્યા હતા.



કાંદીવલીમાં એડિશનલ પોલીસ કમિશનરની ઓફિસ સામે પ્રદર્શન કરવા પહોંચેલી મદન શર્માની દીકરી શીલા શર્માએ કહ્યું કે, હું મહારાષ્ટ્ર સરકારને કાંઇ કહેવા માંગતી નથી. મને તેના પર વિશ્વાસ નથી.

વાસ્તવમાં નૌસેનાના પૂર્વ અધિકારી મદન શર્મા સાથે મારપીટ મામલામાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓએ શનિવારે બપોરે જામીન મળી ગયા હતા. તમામ આરોપીઓને પાંચ હજારના બોન્ડ પર જામીન મળ્યા હતા. કોરોના મહામારીના દિશા નિર્દેશોને ધ્યાનમાં રાખીને આ જામીન અપાયા હતા. જામીન મળવાના વિરુદ્ધમાં બિન જામીનપાત્ર ગુનાનો કેસ દાખલ કરવાની માંગ સાથે ભાજપના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.