ED Questioning Manish Sisodia: દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે સીબીઆઈ બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હીના પૂર્વ મંત્રી અને હાલ જેલમાં રહેલા મનીષ સિસોદિયા વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. EDની એક ટીમ આજે દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે મનીષ સિસોદિયાની પૂછપરછ કરવા તિહાર જેલમાં પહોંચી છે. આ પહેલીવાર છે જ્યારે ED એક્સાઇઝ કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરી રહી છે. એક્સાઇઝ કેસમાં દિલ્હીની એક કોર્ટે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. તેમના જામીન પર 10 માર્ચે સુનાવણી થશે.


EDની આ પૂછપરછ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું છે કે, સિસોદિયાએ શાળાઓને કાયાકલ્પ કરી છે. સિસોદિયાએ ગરીબોને શિક્ષણ આપ્યું. મનીષ અને સત્યેન્દ્ર દેશ માટે પોતાનો જીવ પણ આપી શકે છે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, દેશના પીએમ દેશને લૂંટનારાઓને સમર્થન આપે છે ને સામાન્ય લોકો માટે કામ કરનારૂ કોઈ બચ્યું જ નથી. હું હોળીના દિવસે આખો દિવસ દેશ માટે પ્રાર્થના કરીશ... દેશવાસીઓ પણ મારી સાથે છે. હું ભગવાનનું ધ્યાન કરીશ. 


સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, ઈડીએ એક્સાઈઝ કેસમાં વધુ એક ધરપકડ કરી છે. તેણે હૈદરાબાદના દારૂના વેપારી અરુણ રામચંદ્ર પિલ્લઈની અટકાયત કરી છે. EDના અધિકારીઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સિસોદિયાનું નિવેદન પણ રેકોર્ડ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ ગયા મહિને આ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી અને તેઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.


EDએ અત્યાર સુધીમાં 11 લોકોની કરી ધરપકડ 


લાંબી પૂછપરછ બાદ પિલ્લઈને સોમવારે (6 માર્ચ) સાંજે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની ફોજદારી કલમો હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે પિલ્લઈને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં ED પૂછપરછ માટે તેની કસ્ટડીની વિનંતી કરી શકે છે.


મનીષ સિસોદિયા ન્યાયિક કસ્ટડીમાં


દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે AAP નેતા મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (GNCTD)ની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં ચાલી રહેલી તપાસમાં સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.


સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી પર AAPએ શું કહ્યું?


AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, જ્યાં સુધી જામીન પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોર્ટ પાસે ન્યાયિક કસ્ટડી લંબાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. આજે સીબીઆઈ પાસે કોઈ પ્રશ્ન નહોતો જેના માટે તેઓએ મનીષ સિસોદિયાની પૂછપરછની માંગ કરી હોત. જામીન પર સુનાવણી 10 માર્ચે થશે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે તેને જામીન મળે છે કે તેના રિમાન્ડ વધારવામાં આવશે.