Ghulam Nabi Azad Exclusive Interview: ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીએપી)ના નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર કોંગ્રેસ અને તેમાં પણ ખાસ કરીને રાહુલ ગાંધી વિરૂદ્ધ ગંભીર કહી શકાય તે પ્રકારના આરોપ લગાવ્યા છે. એબીપી ન્યૂઝને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, તેમણે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ પાર્ટી છોડી હતી. આઝાદે એટલેથી ના અટકતા એમ પણ કહ્યું હતું કે રાહુલના કારણે માત્ર તેમણે જ નહીં પરંતુ ત્રણ ડઝન લોકોએ કોંગ્રેસ છોડી દીધી.



આઝાદે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ જાણે છે કે માત્ર હું જ નહીં પરંતુ લગભગ ત્રણ ડઝન યુવાન, વૃદ્ધો, તેમાંથી 90 ટકા કોંગ્રેસના યુવા નેતાઓ છે જેમણે તેમના (રાહુલ ગાંધી)ના કારણે કોંગ્રેસ છોડી દીધી છે.

'રાહુલ ગાંધી પોતે જ વિવાદ ઊભો કરે છે'

રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા ગુમાવવા અને તેમનું મકાન પાછું લેવાના કથિત ઉતાવળના પ્રશ્ન પર ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, "ઉતાવળ તો થઈ જ છે." સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, એ વાતમાં કોઈ શંકા નથી કે, રાહુલ ગાંધી હંમેશા પોતે જ વિવાદ ઉભો કરે છે. દરેક જગ્યાએ વિવાદ ઊભો કરો. બહાર જાય તો ત્યાં વિવાદ, અહીં આવે તો પણ વિવાદ. આ તેમની ભૂલ છે. તેઓ 9-9 વર્ષ સુધી એક જ એજન્ડા પર અટકી રહે છે, ભારતમાં બીજી પણ અનેક મોટી સમસ્યાઓ છે, તેઓ તેની ચર્ચા જ નથી કરતા.

આઝાદે તેમ પણ કહ્યું હતું કે, આ એક બાજુ છે પરંતુ બીજી બાજુ એ છે કે, ભાજપે પણ ઘર તોડવા, ઘર પાછા લેવા માટે ઉતાવળ કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ માટે પ્રક્રિયાને અનુસરવી જોઈએ. જો મેં રાહુલ ગાંધી વિષે કંઈપણ કહ્યું હોય અથવા માહિતી આપી હોય તો તે છે 'ટિપ ઓફ ધ આઇસબર્ગ'... હું આખો આઇસબર્ગ ક્યારેય કહીશ નહીં.

રાહુલ ગાંધી પ્રત્યે નફરતના સવાલ પર આઝાદે કહ્યું કે....

તમે રાહુલ ગાંધીને કેમ નફરત કરો છો? જ્યારે પૂછવામાં આવ્યું તો DAP નેતાએ કહ્યું હતું કે, વાત નફરતની નથી, મેં હજાર વાર કહ્યું છે કે, હું ઈચ્છું છું કે, તેઓ સ્વસ્થ રહે અને રાજકારણમાં એક સફળ રાજકારણી બને. અમે જ તેમને પસંદ કર્યા હતા, તેમને પસંદ કરનારાઓમાંનો હું પણ એક હતો. પરંતુ જો દુનિયા સાંભળશે કે તેમણે શા માટે રાજીનામું આપ્યું તો તેઓ સ્તબ્ધ થઈ જશે.

જોકે, આઝાદે તેમના રાજીનામાની વાત કહેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેટલીક વસ્તુઓ, કેટલીક રીતભાત, કેટલીક સંસ્કૃતિ, કેટલીક બાબતો અંદરની હોય છે જેને જાહેર ના કરવી જોઈએ, તે વ્યક્તિનું કેરેક્ટર દર્શાવે છે.