નવી દિલ્હી: સામવાર સાંજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલ આવવા લાગ્યા હતાં. મહારાષ્ટ્ર અને હરિયાણામાં સર્વે કરનારી પાંચ અગ્રણી એજન્સીઓના એક્ઝિટ પોલની સરેરાશ પ્રમાણે એનડીએ ફરી એકવાર સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવી શકે છે.

સૌથી ચોંકાવનારાના એક્ઝિટ પોલ હરિયાણાના છે. ત્યાં કુલ 90માંથી 70 બેઠક ભાજપના ખાતામાં જતી દેખાઈ રહી છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના મળીને 213 બેઠક જીતી શકે છે. 2014માં હરિયાણામાં ભાજપને 47 બેઠક જ મળી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપને 122 અને શિવસેનાને 63 બેઠકો મળી હતી.

2014માં મહારાષ્ટ્રમાં બંને પક્ષ એકલા હાથે ચૂંટણી લડ્યા હતા. પરિણામ બાદ બંને ભેગા મળી સરકાર રચી હતી. આ વખતે ચૂંટણી પહેલાં જ બંને પક્ષઓએ સમજૂતી કરી હતી. તેમની સાથે રિપબ્લિકન પાર્ટી પણ છે. પરિણામો 24 ઓક્ટોબરે આવશે.