Old Pension Scheme :આજકાલ જૂની પેંશન સ્કીમની ખુબ ચર્ચાઓ થઇ રહી છે. રાજસ્થાનમાં ગેહલોત સરકારે જૂની પેંશન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે, ત્યાર બાદ કોંગ્રેસ શાસિત છત્ત્તીસગઢ સરકારે પણ આ જૂની પેંશન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં પણ આ જૂની પેંશન સ્કીમ લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. હાલ સોશિયલ મીડિયામાં જૂની પેંશન સ્કીમ અંગે એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જૂની પેંશન સ્કીમ વિશે વાત કરવામાં આવી છે.  


સુપ્રીમ કોર્ટે જૂની પેન્શન સ્કીમ દેશભરમાં લાગુ કરવા આપ્યો ચૂકાદો?
સોશિયલ મીડિયામાં જૂની પેંશન સ્કીમ અંગે એક મેસેજ વાયરલ થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જૂની પેંશન સ્કીમને લાગુ કરવા  NPS કર્મચારીઓ સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી ગયા છે અને સુપ્રીમ કોર્ટે જૂની પેન્શન સ્કીમ દેશભરમાં લાગુ કરવા માટે ચૂકાદો આપ્યો છે. જો વાયરલ થઇ રહેલો આ મેસેજ ખોટો છે. સુપ્રીમ કોર્ટે જૂની પેંશન સ્કીમ લાગુ કરવા માટે કોઈ ચુકાદો આપ્યો નથી. 


દેશભરમાં સરકારી કર્મચારીઓ જૂના પેન્શનની માંગ કરી રહ્યા છે
ઓલ ઈન્ડિયા એકાઉન્ટ્સ એન્ડ ઓડિટ કમિટીના જનરલ સેક્રેટરી હરિશંકર તિવારીએ કહ્યું કે દેશભરના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.  રાજસ્થાન બાદ હવે છત્તીસગઢમાં પણ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.  આનો લાભ એવા કર્મચારીઓને મળશે  જે 1 જાન્યુઆરી 2004 પછી સરકારી નોકરીમાં જોડાયા છે. 


31 ડિસેમ્બર 2003થી સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી છે.  2003 બાદ  કોઈપણ કર્મચારી જે સરકારી નોકરીમાં જોડાય છે તેને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ નવી પેન્શન યોજના હેઠળ લાવવામાં આવી છે.  તેને જૂની પેન્શન સ્કીમનો લાભ મળતો નથી.