મોદી સરકાર હવે કોરોનાના કારણે દેશના દરેક નાગરિકને આપશે 1.30 લાખ રૂપિયા, જાણો વૉટ્સએપ પર વાયરલ થયેલા આ દાવાની શું છે હકીકત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Nov 2020 11:18 AM (IST)
વાયરલ થઇ રહેલો આ દાવો જ્યારે ભારત સરકારની ફેક્ટ ચેક ટીમની પાસે પહોંચ્યો તો તે ખોટો નીકળ્યો
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટની વચ્ચે સોશ્યલ મીડયા પર અફવાઓએ જોર પકડ્યુ છે. અફવાઓનુ બજાર ગરમ છે, ત્યારે એક સોશ્યલ મીડિયા, વૉટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે જેની વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી. આવા એક દાવાનુ ખંડન ભારત સરકારના અધિકારીક ટ્વીટર હેન્ડલ પીઆઇબી ફેક્ટ ચેકે કર્યુ છે. ખરેખરમાં વૉટસએપ પર એક મેસેજ આજકાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકારે 18 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને ઘરે બેઠા કોરોના ફન્ડિંગના રૂપમાં 1.30 લાખ રૂપિયા જાહેરાત કરી છે. જોકે આ દાવો એકદમ ખોટો છે અને સરકારે આવી કોઇ જાહેરાત કરી નથી. વાયરલ થઇ રહેલા મેસેજમાં લખ્યું છે- સરકારે દેશના 18 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને 130000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે મેસેજની સાથે સાથે એક લિંકને પણ શેર કરવામાં આવી છે જેમાં આ યોજના વિશે બીજી કેટલીય ખોટી ખોટી વાતો કહેવામાં આવી છે. વાયરલ થઇ રહેલો આ દાવો જ્યારે ભારત સરકારની ફેક્ટ ચેક ટીમની પાસે પહોંચ્યો તો તે ખોટો નીકળ્યો. પીઆઇબી ફેક્ટ ચેકે પોતાના અધિકારિક ટ્વીટર હેન્ડલ પર મેસેજનો સ્ક્રીન શૉટ શેર કરતાં આને ખોટો ગણાવ્યો છે. પીઆઇબીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર દ્વારા આવી કોઇ જાહેરાત નથી કરાઇ, આ મેસેજ માત્રને માત્ર અફવા છે. લોકોએ આવા મેસેજનો વિશ્વાસ ના કરવો જોઇએ.