છેલ્લા ઘણાં દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અહેવાલ વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાને કારણે જે લોકોના મોત થયા છે તેના પરિવારને કેન્દ્ર સરકાર 4-4 લાખ રૂપિયા વળતર તરીકે આપશે. આ મામલે એક ફોર્મની તસવીર પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી છે. કહેવાય છે કે, આ ફોર્મ  ભર્યા બાદ જિલ્લા મુખ્યાલયમાં તેને જમા કરાવાવનું હોય છે. આ ફોર્મની સાથે એક સૂચના પણ છે. તેમાં લખ્યું છે કે કોરોનાને કારણે નિધન થયેલ સામાન્ય વ્યક્તિનું ફોર્મ ભરીને જિલ્લા કલેક્ટર ફિસમાં જમા કરાવો. તેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી 4 લાખ રૂપિયાનું વળતર સરકાર આપશે. તમારા નજીકના સંબંધીઓ અને મિત્રોને જાણ કરો જેથી આ મહામારીમાં પીડિત પરિવારોને થોડી મદદ મળી શકે.


સત્ય શું છે


આ પ્રકારની કોઈ યોજના કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં નથી આવી. હાલમાં જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કર્ટમાં સોગંદનામું કરીને કહ્યું હતું કે, આવી કોઈ યોજના નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે, જો આવું કરવામાં આવે તો દેશનું ડિઝાસ્ટર ફંડ ખાલી થઈ જશે. જોકે જ્યારે કોરોનાથી વિતેલા વર્ષે લોકોના મોત થવાના શરૂ થયા ત્યારે સરકારે શરૂમાં કહ્યું હતું કે, કોરોનાને મહામારી તરીકે નોટિફાઈ કરવામાં આવી છે અને સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી કોરોનાથી થયેલ મોત માટે વળતર આપવામાં આવશે. ઉપરાંત કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોને પણ આર્થિક સહાયતા આપવાની વાત કહી હતી. એક કલાકની અંદર જ સરકારે આ નોટિફિકેશન પરત લઈ લીઘું હતું.






પીઆઈબીએ કરી સ્પષ્ટતા


બાદમાં સંશોધિત નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, આર્થિક લાભ કોરેન્ટાઈન, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ પર આપવામાં આવશે. વળતર આપવાની તમામ વાત તરત જ ડિલીટ કરવામાં આવી હતી. કેટલાક રાજ્યની સરકારોએ આવું જ નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગોવા સરકારે એક ટ્વીટમાં કહ્યું હતું કે, સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી કોરોનાથી થયેલ મોત પર કોઈપણ વળતરની જોગવાઈ નથી. બાદમાં કેન્દ્ર સરકારના પીઆઈબીએ પણ આ વાતને ફગાવી દીધી હતી. પીઆઈબીએ પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, કોરોનાથી થયેલ મોત પર ચાર લાખ સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી આપવાની વાત કહેવામાં આવી રહી છે. આ અહેવાલ ખોટા છે. આ પ્રકારની કોઈ જ જોગવાઈ નથી.