નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેને પગલે હાલ લખનઉથી લઇને દિલ્હી સુધી રાજકિય હલચલ વધી રહી છે. ઉત્તર પ્રદેશમાં મંત્રીમંડળના વિસ્તાર અને સંગઠનમાં ફેરફાર તેમજ યોગી અને મોદી વચ્ચે ઘર્ષણની વાતો વચ્ચે તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વડાપ્રધાન આવાસ પર દોઢ કલાક લાંબી બેઠક ચાલી હતી.


આ દરમિયાન હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશને 2-3 હિસ્સામાં વહેંચવા તથા પૂર્વાંચલને અલગ રાજ્ય બનાવવાની વિચારણા કરી રહી છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું આ દાવો બોગસ છ. કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશના ભાગલા પાડવા અંગે વિચારી રહી નથી.




પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80,834 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,32,062 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3303 લોકોના મોત થયા છે.



  • કુલ કેસઃ બે કરોડ 94 લાખ 39 હજાર 989

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 80 લાખ 43 હજાર 446

  • એક્ટિવ કેસઃ 10 લાખ 26 હજાર 159

  • કુલ મૃત્યુઆંકઃ 3,70,384


દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 31માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 31 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 82 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.