સોનાની ખરીદીમાં અવારનવાર છેતરપિંડીના સમાચારો આવતા રહે છે. ગ્રાહકો સાથેની છેતરપિંડી અટકાવવા માટે બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ (BIS)એ 16 જૂનથી સોનાના ઘરેણાં ઉપર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે. એટલે કે કોઈ પણ જ્વેલર્સ હોલમાર્કિંગ વગર સોનાના આભૂષણો વેચી શકશે નહીં. કેન્દ્ર સરકારે દોઢ વર્ષ અગાઉ હોલમાર્કિંગનો મુસદ્દો તૈયાર કરી દીધો હતો પરંતુ કોરોનાના કારણે તેને લાગુ કરવામાં મોડું થયું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે સરકે હોલમાર્કિંગ જૂન 2022 સુધી મુલતવી રાખ્યું છે.


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ મુજબ, એક પત્રની સાથે નકલી હેડલાઈનમાં કોવિડના કારણે હોલમાર્કિંગ જૂન 2022 સુધી રોકવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું કે, ભારત સરકાર દ્વારા 16 જૂન 2021થી  હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા હોલમાર્કિંગની પ્રક્રિયાને સ્થગિત નથી કરવામાં આવી.






નવા નિયમો મુજબ હોલમાર્કિંગ વગરના ઘરેણાં અને આર્ટવર્ક વેચતા કોઈ જ્વેલર પકડશે તો તેને રૂ. 1 લાખ સુધીનો દંડ અથવા 1 વર્ષની જેલની સજા થઈ શકે છે. નિયમ મુજબ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટની પ્યોરિટી વાળા સોનામાં હોલમાર્કિંગ કરવાનું રહેશે.


જાણકારોના કહેવા મુજબ અનેક કિસ્સામાં એવું બનતું હતું કે, વધુ કેરેટનું સોનું બતાવી અને ઓછા કેરેટનું સોનું વેચવામાં આવતું હતું. હોલમાર્કિંગ ફરજિયાત બનતા હવે ગ્રાહક પ્યોરિટીના મામલે છેતરાશે નહીં. જો કોઈ જ્વેલર્સ હોલમાર્કિંગના નિયમોમાં ગ્રાહક સાથે ખોટું કરે તો BISના નિયમ મુજબ તેણે ગ્રાહકને વાસ્તવિક દરના તફાવતની બમણી રકમ ચૂકવવી પડશે.