દિલ્હીમાં ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી શાળાના બાળકો સાથે વાત કરતા જોઈ શકાય છે. આ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દિલ્હીની એક સરકારી શાળા છે, જે ખૂબ જ સારી સ્થિતિમાં છે. આ પોસ્ટમાં ઉત્તર પ્રદેશની શાળાઓ પર કટાક્ષ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તેમની હાલત ખરાબ છે.
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે. વર્ષ 2023માં પીએમ મોદી વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે વારાણસીની એક શાળાની મુલાકાત લીધી અને બાળકો સાથે મુલાકાત કરી હતી.
શું વાયરલ થઈ રહ્યું છે?
ફેસબુક યુઝર 'દિલીપ મેહરા' એ વાયરલ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, "કેજરીવાલે બનાવેલી સ્કૂલોમાં રીલ બનાવવા ગયા છે*****. ક્યારેક યુપીની શાળાઓમાં પણ રીલ બનાવો તમને વાસ્તવિકતા ખબર પડશે."
પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જુઓ.
તપાસ
વાયરલ દાવા પાછળનું સત્ય જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સનો ઉપયોગ કરીને સર્ચ કર્યું. અમને ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ પર આ દાવા સંબંધિત એક અહેવાલ મળ્યો હતો. આ રિપોર્ટને 18 ડિસેમ્બર 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, "વિકાસિત ભારત સંકલ્પ યાત્રા" હેઠળ તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસની મુલાકાતે હતા. આ દરમિયાન, તેમણે વારાણસીની એક સ્કૂલમાં જઇને બાળકો સાથે મુલાકાત કરી હતી.
પ્રાપ્ત માહિતીના આધારે, અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું હતું. અમને લાંબા વીડિયોનું વર્ઝન પીએમ મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર મળ્યું હતું. આ વીડિયો 18 ડિસેમ્બર, 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. ઉપલબ્ધ માહિતી અનુસાર, વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ત્યાંની એક શાળાની મુલાકાત લીધી હતી અને બાળકોને મળ્યા હતા.
વધુ માહિતી માટે અમે દૈનિક જાગરણ વારાણસીના રિપોર્ટર મુકેશ શ્રીવાસ્તવનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને કહ્યું કે આ વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે. જ્યારે વડાપ્રધાન વારાણસીના પ્રવાસ પર આવ્યા હતા. તેમણે બાળકો સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરી 2025 ના રોજ મતદાન થશે. જ્યારે મતગણતરી 8 ફેબ્રુઆરી 2025ના રોજ થશે અને પરિણામો જાહેર કરવામાં આવશે. નામાંકન પ્રક્રિયા 10 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને ઉમેદવારો 17 ફેબ્રુઆરી સુધી તેમના નામાંકન ભરી શકશે.
અંતે અમે ખોટા દાવા સાથે વિડિઓ શેર કરનાર યુઝર્સનું એકાઉન્ટ સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર્સ એક ચોક્કસ વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં શોધી કાઢ્યું કે પીએમ મોદી શાળામાં બાળકોને મળતા હોવાના વાયરલ વીડિયો અંગે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. આ વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે. વર્ષ 2023માં પીએમ મોદી વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે વારાણસીની એક શાળાની મુલાકાત લીધી અને બાળકોને મળ્યા હતા.
(Disclaimer: આ સમાચારનું ફેક્ટ ચેક વિશ્વાસ ન્યૂઝ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)