Fake Birth Certificate Case: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. રામપુરની MP-MLL કોર્ટે આઝમ ખાન, તેની પત્ની તંઝીન ફાતિમા અને તેના પુત્ર અબ્દુલ્લા આઝમને નકલી બર્થ- સર્ટિફિકેટ બનાવવાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. તમામને સાત-સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્રણેયને અહીંથી સીધા જેલમાં લઈ જવામાં આવશે.






નોંધનીય છે કે ફેક બર્થ સર્ટિફિકેટનો આ કેસ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે સંબંધિત છે. ત્યારબાદ અબ્દુલ્લા આઝમે સપાની ટિકિટ પર રામપુરની સ્વાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેઓ આ ચૂંટણીમાં પણ જીત્યા હતા. પરંતુ ચૂંટણીના પરિણામો બાદ તેમની સામે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર આરોપ હતો કે અબ્દુલ્લા આઝમે ચૂંટણી ફોર્મમાં જે ઉંમરનો ઉલ્લેખ કર્યો છે તે હકીકતમાં એટલી ન હતી.






સ્વાર બેઠકની ચૂંટણી રદ કરવામાં આવી


આરોપ હતો કે અબ્દુલ્લા ધારાસભ્ય ચૂંટણી લડવા માટે ઉંમરના માપદંડને પૂર્ણ કરતા નથી. શૈક્ષણિક પ્રમાણપત્રમાં અબ્દુલ્લાની જન્મતારીખ 1 જાન્યુઆરી 1993 છે, જ્યારે જન્મ પ્રમાણપત્રના આધારે તેમનો જન્મ 30 સપ્ટેમ્બર 1990 જણાવવામાં આવ્યો છે. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ તેના પર સુનાવણી શરૂ થઈ અને અબ્દુલ્લાએ રજૂ કરેલું જન્મ પ્રમાણપત્ર નકલી હોવાનું જાણવા મળ્યું. આ પછી સ્વાર બેઠક પરથી તેમની ચૂંટણી રદ કરવામાં આવી હતી.


નોંધનીય છે કે અબ્દુલ્લા પર પહેલા જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવવાનો અને વિદેશ પ્રવાસ કરવાનો અને બીજા પ્રમાણપત્રનો સરકારી હેતુઓ માટે ઉપયોગ કરવાનો આરોપ છે. આ સિવાય તેના પર જૌહર યુનિવર્સિટી માટે તેનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. આરોપ મુજબ અબ્દુલ્લા આઝમ પાસે બે અલગ-અલગ જન્મ પ્રમાણપત્ર છે. રામપુર નગરપાલિકા દ્વારા 28 જૂન 2012ના રોજ એક જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રામપુરને અબ્દુલ્લાના જન્મસ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે. બીજું જન્મ પ્રમાણપત્ર જાન્યુઆરી 2015માં જાહેર કરવામાં આવ્યું છે, જેમાં લખનઉને તેનું જન્મસ્થળ દર્શાવવામાં આવ્યું છે.