કેંદ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં ખેડૂતોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. ખેડૂતોના ભારત બંધને તમામ વિપક્ષી રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં 40 ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધને સમર્થન આપવાની લોકોને અપીલ કરી છે. ખેડૂતોના ભારત બંધથી કૃષિ કાયદા વિરૂદ્ધના આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.


ભારત બંધ દરમિયાન વિવિધ સ્થળોએ ખેડૂતો રેલી કાઢી, ધરણા પ્રદર્શન કરીને પોતાનો વિરોધ નોંધાવશે. સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું કે ભારત બંધનું આયોજન આજે સવારે છ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન દરેક સરકારી, ખાનગી કચેરીઓ, શિક્ષણ અને અન્ય સંસ્થાઓ, દુકાનો, ઉદ્યોગ અને વેપારી સંસ્થા બંધ રહેશે. જ્યારે બીજી તરફ બંધ દરમિયાન હોસ્પિટલ, ઈમરજંસી સેવાઓ, મેડિકલ સ્ટોર્સ, રાહત તેમજ બચાવ કાર્યો વગેરે ખુલ્લા રહેશે.


જે પણ વિસ્તારોમાં ખેડૂતો ધરણા પ્રદર્શન પર બેઠા હોય ત્યાંથી જો કોઈ એમ્બ્યુલંસ પસાર થવાની હોય તો તુરંત જ રસ્તો કરી આપવામાં આવશે. માલવાહક મોટક વ્હિકલને દિલ્લીની અંદર કે બહાર જવા નદી દેયા, સંયુક્ત કિસાન મોરચાના સમર્થનમાં અનેક ખાનગી ટ્રાંસપોર્ટ એસોસિએશન પણ બંધમાં જોડાશે. વિપક્ષોએ ખેડૂતોના ભારત બંધને સમર્થન આપ્યું છે.


ખેડૂતોના ભારત બંધને ગુજરાતમાં ખેડૂત સંગઠનો, ટ્રેડ યુનિયનો ઉપરાંત કૉંગ્રેસ, આમ આદમી પાર્ટીએ પણ ટેકો જાહેર કર્યો છે. બંધના એલાનને લઈને કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર સતર્ક બની છે. જ્યારે પોલીસ પણ સ્ટેંડ ટુ થઈ છે. પોલીસે એક દિવસ અગાઉથી જ અમુક વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.


રાજકીય પક્ષો પણ આંદોલનને ટેકો આપે છે


આ આંદોલનને રાજકીય પક્ષોનું સમર્થન પણ મળી રહ્યું છે. કોંગ્રેસ, સપા, બસપા, આપ, ડીએમકે, આરજેડી, ડાબેરી પક્ષો સહિત ઘણા વિપક્ષી દળોએ ખુલ્લેઆમ બંધને ટેકો આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે તેના તમામ કાર્યકર્તાઓને ભારત બંધમાં ભાગ લેવા જણાવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ભોપાલમાં ધરણા કરશે તો મહાગઠબંધન બિહારમાં પણ રસ્તા પર ઉતરશે. પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ પણ બંધના સમર્થનમાં ટ્વિટ કર્યું છે. સિદ્ધુએ લખ્યું કે, પંજાબ કોંગ્રેસ ખેડૂતોની સાથે મક્કમપણે ઉભી છે. સાચા અને ખોટાની લડાઈમાં આપણે તટસ્થ રહી શકતા નથી.