Farmers Protest: પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરન્ટી આપવાના મુદ્દે રવિવારે ચંડીગઢમાં ખેડૂત નેતાઓ અને ત્રણ કેન્દ્રીય પ્રધાનો વચ્ચે યોજાયેલી ચોથા રાઉન્ડની બેઠકમાં કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર એમએસપી આપવા સંમત થઈ હતી. ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે, પરંતુ આ માટે ખેડૂતોને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) અને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઇ) સાથે પાંચ વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવાના રહેશે.
કેન્દ્રના આ પ્રસ્તાવ પર બેઠકમાં હાજર ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ તમામ સંગઠનો સાથે વાત કરશે અને સોમવારે આ અંગે અંતિમ નિર્ણય આપશે. લગભગ પાંચ કલાક સુધી ચાલેલી બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે ચોથા રાઉન્ડની વાતચીત ખૂબ જ સકારાત્મક રહી હતી.
પંજાબ અને હરિયાણામાં ઘટતા ભૂગર્ભજળના સ્તરને બચાવવા માટે પાકનું વૈવિધ્યકરણ જરૂરી છે. તે જોતા સરકારે આગળ આવીને આ દરખાસ્ત કરી છે અને મોટાભાગના ખેડૂતોએ સૈદ્ધાંતિક સંમતિ આપી છે.
દરમિયાન, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમણે પત્રકારોને કહ્યું કે પાકનું વૈવિધ્યકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો સરકાર વૈકલ્પિક પાકો પર એમએસપીની બાંયધરી આપે. આ પછી અન્ય પાકો પણ તેની હેઠળ લાવી શકાય છે. અમે કેન્દ્રના આ પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનોના પ્રતિભાવની રાહ જોઈશું.
અગાઉ આ વાતચીતમાં ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રએ એમએસપીની કાયદાકીય ગેરન્ટી માટે વટહુકમ લાવવો જોઈએ. તે આનાથી ઓછું કંઈપણ સ્વીકારશે નહીં. લગભગ બે કલાક મોડી શરૂ થયેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાયની સાથે પંજાબના સીએમ ભગવંત માન અને કૃષિ મંત્રી ગુરમીત સિંહ પણ હાજર રહ્યા હતા.
બેઠક પહેલા જ ખેડૂત નેતાઓ સરવણ પંઢેર અને જગજીત દલ્લેવાલે કહ્યું હતું કે તેઓ એમએસપીની ગેરન્ટી પર વટહુકમ કરતાં ઓછું કંઈપણ સ્વીકારશે નહીં. દરમિયાન, કેન્દ્ર સરકારે પંજાબના સાત જિલ્લાઓ પટિયાલા, એસએએસ નગર, ભટિંડા, મુક્તસર સાહિબ, માનસા, સંગરુર અને ફતેહગઢ સાહિબમાં ઇન્ટરનેટ પ્રતિબંધને 24 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે.
અગાઉ 12 થી 16 ફેબ્રુઆરી સુધી ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ હતી. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ચંદીગઢમાં 15 ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે ઈન્ટરનેટ બંધનો મુદ્દો ઉઠાવ્યો હતો. અગાઉ, સંયુક્ત કિસાન મોરચાએ લુધિયાણામાં બેઠક યોજી હતી અને 20 થી 22 ફેબ્રુઆરી સુધી ટોલ પ્લાઝાને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. રવિવારે પણ ઘણા જિલ્લાઓમાં ટોલ પ્લાઝા ફ્રી કરવામાં આવ્યા હતા. લુધિયાણામાં યોજાયેલી બેઠકમાં 37 ખેડૂત સંગઠનોએ ભાગ લીધો હતો.