નવી દિલ્હીઃ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચથી વાતાવરણ તંગ થઈ ગયું છે. ખેડૂતો બેરિકેડ તોડીને લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં દિલ્હીની સુરક્ષા વ્યવસ્થાને લઈ મંથન ચાલી રહ્યું છે. બેઠકમાં ગૃહ સચિવ પણ પહોંચી ગયા છે.




ખેડૂતોની ટ્રેક્ટર રેલી બાદ સિંઘુ બોર્ડર સહિતના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. સિંઘુ બોર્ડર,ગાજીપુર બોર્ડર,મુકરબા ચોક,નાંગલોઇમાં રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે.



દિલ્હીના અનેક મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખેડૂતોના બળવાના કારણે બંધ કરાયા છે. ડીએમઆરસી અનુસાર, લાલ કિલ્લો, , ઇન્દ્રપ્રસ્થ, આઇટીઓ સહિત મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે.

નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. આઇટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ થયું હતું. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.