Farmers Protest:  ખેડૂતોએ 21મી ફેબ્રુઆરીએ દિલ્હી જવા માટે શંભુ બોર્ડર પર તૈયારીઓ કરી લીધી છે. મંગળવારે પંજાબના યુવા ખેડૂતો જેસીબી અને પોકલેન મશીન સાથે પહોંચ્યા છે. આ મશીનોને ટ્રેક્ટર માર્ચની સાથે લાવવામાં આવ્યા હતા, જેથી રસ્તામાં કોઈ તેમને રોકી ન શકે.






જ્યારે હરિયાણાના ડીજીપીએ પંજાબના ડીજીપીને પત્ર લખ્યા બાદ પંજાબના ડીજીપીએ ખાનૌરી અને શંભુમાં પંજાબ-હરિયાણા બોર્ડર તરફ જેસીબી, પોકલેન, ટીપર, હાઇડ્રા અને અન્ય હેવી અર્થ મૂવિંગ સાધનોની અવરજવરને રોકવાનો આદેશ આપ્યો છે.


ડીજીપી પંજાબની સૂચના પર શંભુ પોલીસ સ્ટેશનના એસએચઓ અને અન્ય એક અધિકારી ખેડૂતોને શંભુ બોર્ડર તરફ ભારે વાહનો અને જેસીબી લઈ જતા અટકાવતા ઘાયલ થયા હતા. પટિયાલા શંભુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અમન પાલ સિંહ વિર્ક અને મોહાલીના એસપી જગવિંદર સિંહ ચીમા ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ શંભુ બોર્ડરથી લગભગ 5 કિલોમીટર પહેલા નાકાબંધી કરી દીધી હતી જ્યાં આ ઘટના બની હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અમનપાલ સિંહ વિર્કને ઘૂંટણમાં ઈજા થઈ છે.


કેન્દ્ર સરકારનો અંદાજ - પંજાબ-હરિયાણા બોર્ડર પર 14,000ની ભીડ


કેન્દ્ર સરકારનો અંદાજ છે કે પંજાબ-હરિયાણા બોર્ડર પર 1,200 ટ્રેક્ટર-ટ્રોલીઓ, 300 કાર, 10 મિની બસો ઉપરાંત નાના વાહનો સાથે લગભગ 14,000 લોકો એકઠા થયા છે અને આ માટે પંજાબ સરકાર સમક્ષ પોતાનો સખત વાંધો વ્યક્ત કર્યો છે. પંજાબ સરકારને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાનો વિષય છે અને કાયદો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.


હરિયાણા ડીજીપીએ પત્ર લખ્યો હતો


આ પહેલા ડીજીપી હરિયાણાએ પંજાબ ડીજીપીને પત્ર લખ્યો હતો, જેમાં ખેડૂતોના આંદોલનમાં પોકલેન મશીન અને જેસીબી મશીનો જપ્ત કરવાનું કહેવામાં આવ્યું હતું. બેરિકેડ પર તૈનાત દળોની સુરક્ષાની વાત કરવામા આવી હતી. ખેડૂત આગેવાનોએ સરકારને બુધવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, જો ત્યાં સુધીમાં કોઇ ઉકેલ નહી આવે તો ખેડૂતો આંદોલન કરશે. દિલ્હી કૂચ માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડૂતો શંભુ બોર્ડર પર બેરિકેડ તોડવાની તૈયારી કરી રહ્યા છે.