નવી દિલ્હી: કૃષિ કાયદાને લઈ સરકાર તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવને ખેડૂત સંગઠનોએ નકારી દીધો છે. ખેડૂત સંગઠનોએ કહ્યું કે, અમારુ પ્રદર્શન યથાવત રહેશે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, ફરી પ્રસ્તાવ આવશે તો અમે તેના પર વિચાર કરીશું.


ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં આક્રમક આંદોલન કરીશું. 14 ડિસેમ્બરે સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન થશે. ભાજપના મંત્રીઓનો ઘેરાવ કરાશે. 12 ડિસેમ્બર સુધી જયપુર દિલ્હી હાઈવે સીલ રહેશે. દિલ્હીના રસ્તાઓ જામ કરી દઈશું. 12 ડિસેમ્બર સુધી ટોલ પ્લાઝાને ફ્રી કરીશું. કાયદો રદ નહીં થાય ત્યા સુધી જંગ ચાલુ રહેશે.


ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગને લઈને ખેડૂત સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે. આજે આંદોલનનો 14મો દિવસ છે. આજે સવારે કેન્દ્રીય કેબિનેટની મીટિંગ મળ્યા બાદ સરકારે વિધિવત રીતે પહેલીવાર ખેડૂતોની માંગણીના સંદર્ભમાં લેખિતમાં પ્રસ્તાવ આપ્યો હતો.



સરકારે કૃષિ કાનૂનમાં થોડું સંશોધન કરીને ખેડૂત નેતાઓને મોકલ્યો હતો. ખેડૂતોના કહેવા મુજબ તેઓ સરકારનો પ્રસ્તાવ જરૂર જોશે પરંતુ તેમની માંગ માત્રને માત્ર ત્રણ કાનૂન હટાવવાની જ છે.