નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એક મહિનાથી વધુ સમય દિલ્હીની સરહદ અને તેની આસપાસ હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. તેની વચ્ચે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે બુધવારે સાતમાં તબક્કાની બેઠક મળી હતી, જે લગભગ પાંચ કલાક ચાલી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય કૃષિ કાયદા મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, ખેડૂતો સાથે ચારમાંથી બે મુદ્દાઓ પર સહમતિ બની છે. પરાળી અને વીજળીના બિલને લઈને ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવી છે અને બીજા તબક્કાની બેઠક 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે બોલાવવામાં આવી છે.

નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, MSP ચાલુ રહેશએ એ વાત સરકાર સતત કહેતી આવી છે. અમે તેને લેખિતમાં આપવા તૈયાર છે પરંતુ ખેડૂતસંગઠનોની માંગ છે કે, MSPનો કાયદો બનાવવામાં આવે, તેથી અમે એમએસપીના કાયદાને લઈ અને અન્ય મુદ્દા પર 4 જાન્યુઆરીએ ચર્ચા કરીશું.


સરકારે સ્વીકારી ખેડૂતોની બે માંગ

તોમરે કહ્યું કે ખેડૂતો એવું માની રહ્યાં છે કે, જો ઈલેક્ટ્રિસિટી એક્ટમાં સુધારો કરવામાં આવશે તો તેમને નુકસાન થશે. ખેડૂત સંગઠન ઈચ્છે છે કે, રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ માટે ખેડૂતોને જે સબ્સિડી આપવામાં આવે છે તે ચાલુ રહેવી જોઈએ. આ મુદ્દા પર બન્ને પક્ષોની સહમતિ બની છે. તેની સાથે પરાળીને લઈને પણ ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવી છે.

કૃષિમંત્રીએ કહ્યું કે, એજન્ડામાંથી 50 ટકા વસ્તુઓ પર સહમતિ બની ગઈ છે. બન્ને પક્ષો વચ્ચે સારા માહોલમાં વાતચીત થઈ. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂત સંગઠનો બે નવા કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં છે.