ખેડૂત નેતા બલબીર સિંહે કહ્યું કે, કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે કે, કાયદો વેપારીઓ માટે બનાવવામાં આવ્યો છે. જો કૃષિ રાજ્યનો વિષય છે તો, કેન્દ્ર સરકારને તેના પર કાયદો બનાવવાનો અધિકાર નથી.
આ પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, કૃષિ કાયદાનો વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આંદોલન છોડીને ચર્ચા કરવાનો રસ્તો અપનાવવો જોઈએ. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા મોકલવામાં આવેલા કોઈ પણ મુદ્દાને લઈ ખેડૂતોને આપત્તિ હોય તો સરકાર તેના પર ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર છે.
તોમરે કહ્યું કે, વાતચીતની પ્રક્રિયાની વચ્ચે ખેડૂતો દ્વારા આગામી તબક્કાના આંદોલનની જાહેરાત કરવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, સરકાર વાતચીત માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને લઈ દિલ્હી બોર્ડર પર 14 દિવસથી આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતોની માંગ છે કે, સરકાર ત્રણેય નવા કૃષિ કાયદા રદ કરે.