Kisan Samman Nidhi: રાજસ્થાન સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા(Bhajanlal Sharma)એ કિસાન સન્માન નિધિમાં 2000 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે રાજસ્થાનમાં કિસાન સન્માન નિધિ તરીકે 8000 રૂપિયા આપવામાં આવશે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન(Narendra Modi) બનવાના એક દિવસ પહેલા આ મોટી જાહેરાત કરવામાં આવી છે. એનડીએને બહુમતી મળ્યા બાદ, શુક્રવારે નરેન્દ્ર મોદીને આગામી સરકાર બનાવવા માટે ગઠબંધનના તમામ પક્ષોનું સમર્થન મળ્યું. નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.


મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે,પ્રદેશ સરકરા દ્વારા ખેડૂતોના સમગ્ર ઉત્થાનની દિશામાં પીએમ કિસાન સન્માન નિધિમાં બે હજાર રુપિયાનો વધારો કરવામાં આવ્યો. તેના કારણે ખેડૂતો માટે કેન્દ્ર સરકારની વાર્ષિક રકમ 6 હજાર રૂપિયાથી વધીને 8 હજાર રૂપિયા થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે. આ વધારાના પૈસાથી ખેડૂતોને ટેકો મળશે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને આગળ વધારવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે.







વાવણીની મોસમ શરૂ થાય તે પહેલા લેવાયેલ નિર્ણય
વાવણીની મોસમ શરૂ થાય તે પહેલા લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યના ઘણા ખેડૂતોએ કહ્યું કે આ રકમથી તેમના માટે બિયારણ અને ખાતર ખરીદવામાં સરળતા રહેશે.


PM કિસાન યોજનામાં ખેડૂતોને જોડવા સરકાર ચલાવી રહી છે અભિયાન


પાત્રતા ધરાવતા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા જે લોકો યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહી ગયા છે તેમની નોંધણી કરવામાં આવશે. આ અભિયાન 5 જૂનથી શરૂ થયું છે અને 20 જૂન સુધી ચાલશે જેથી કરીને આ કેન્દ્રીય યોજનાનો લાભ ખેડૂતો સુધી પહોંચી શકે. હાલમાં યોજના હેઠળ લાભાર્થીઓને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે.


સરકાર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે


ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે 24 ફેબ્રુઆરી 2019ના રોજ પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી. પીએમ કિસાન યોજના ખેડૂતોને નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે અને તેઓ તેમની ખેતી અને કૃષિ પ્રવૃત્તિઓને સુધારવામાં સક્ષમ છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. પીએમ કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતના ખાતામાં 3 વખત રૂપિયા 2-2 હજાર મોકલવામાં આવે છે.


બાકી રહેલા ખેડૂતોને જોડવા માટે 20 જૂન સુધી અભિયાન


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ અનુસાર, પીએમ કિસાન યોજનાના લાભો આપવા માટે અભિયાન શરૂ થયું છે. આ ગ્રામ્ય કક્ષાનું સંતૃપ્તિ અભિયાન 20 જૂન, 2024 સુધી ચાલશે. ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાન દ્વારા દેશના દરેક પાત્ર ખેડૂત આ અભિયાનમાં જોડાઈ શકે છે અને પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો અન્ય મહત્વના કામો પણ આ અભિયાન દ્વારા પૂર્ણ કરાવી શકશે. જેમાં ખાતર અને બિયારણની ખરીદી, પાક વીમો, ઇ-કેવાયસી અને કૃષિ સાધનોની ખરીદીને લગતી કામગીરી પણ કરી શકાશે.